પદ્મશ્રી ઇરફાન ખાનનું કેન્સરથી નિધન

Wednesday 06th May 2020 07:36 EDT
 
 

બોલિવૂડના લોકપ્રિય અદાકાર ઇરફાન ખાનનું ૨૯મી એપ્રિલે ૫૩ વરસની વયે નિધન થયું હતું. તેઓને મૃત્યુના આગલે દિવસે આંતરડાંમાં ઇન્ફેકશન થતાં મુંબઇની કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ ૨૯મીએ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. ઇરફાનના પરિવારમાં પત્ની સુતાપા અને બે પુત્રો બાબિલ અને અયાન છે. હજુ થોડા દિવસો પહેલાં જ ઈરફાનના માતાનું મૃત્યુ થયું હતું. ઈરફાનનાં મૃત્યુ પહેલાં ઈરફાનનાં શબ્દો હતાં કે ‘અમ્મા મુજે લેને આઈ હૈ!’ આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ઈરફાન કેન્સર સામે લડી રહ્યાં હતા. લંડનમાં સારવારથી તેઓ હરતા ફરતા અને કામ કરતાં થયાં હતાં, પરંતુ તબિયતમાં ઝાઝો સુધારો આવતો નહોતો. જોકે લંડનમાં સારવાર પછી ભારત આવીને તેમણે ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં અભિનય પણ આપ્યો હતો.
વર્ષ ૨૦૧૮માં તેમને ન્યુરોએન્ડોક્રાઈન નામનું કેન્સર હોવાનું માલૂમ પડયું હતું. ત્યારથી તેમની સારવાર ચાલુ હતી. આ કેન્સર શરીરના અંત:સ્ત્રાવની ગ્રંથિઓ પર વિપરીત અસર કરે છે. એ ગ્રંથિઓ અસાધારણ રીતે વિકસવા લાગે છે જ્યારે કેન્સરની ખબર પડી ત્યારે અભિનેતાએ પોતે જ બધાને આ બીમારીની જાણકારી આપી હતી.
એ પછી તેઓ સતત સારવાર લેતા આવ્યા હતા. કહેવાય છે કે છેલ્લા ચારેક મહિનાથી ઇરફાન કોઇને પણ મળતા નહોતા તેમજ ઘર બહાર પણ નીકળતા નહોતા. તે ફક્ત હોસ્પિટલ અને ઘર એમ બે જ સ્થાને આવનજાવન કરતા હતા. દરમિયાન તેમની કિમો થેરપી પણ સ્કિપ થઇ હતી. લથડતી જતી તબિયતે અંતે ઈરફાન ખાનનો જીવ લીધો. ઈરફાનના અવસાનના સમાચાર સાંભળતા જ બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ઈરફાન ખાનના ખાસ મિત્ર અને ફિલ્મ દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા તરત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા. કોરોના વાઈરસના પ્રકોપને કારણે તબીબોએ તેમના પાર્થિવ શરીરને ઘરે ન લઇ જવાની સલાહ આપી હતી.
લોકડાઉનના નિયમોનું પાલન કરીને તેમના શબને એમ્બ્યુલન્સમાં મુંબઇના અંધેરીના વર્સોવા કબ્રસ્તાનમાં લઇ જવામાં આવ્યું હતું. તેમની અંતિમ વિધિ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરાયું હતું તેમજ તેમની અંતિમ વિધિમાં ૨૦ જ જણા સામેલ હતા જેમાં તેમના પરિવાર અને અંગત લોકોનો સમાવેશ હતો.
લોકડાઉનના કારણે ઈરફાનન ભાઇઓ તેમના અંતિમ દર્શન કરવા જયપુરથી આવી શક્યા નહોતા.
ઈરફાનનો જન્મ જયપુરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ સાહબજાદા ઇરફાન અલી ખાન હતું. તેમના પિતાનું નામ સાહેબજાદે યાસીન અલી ખાન હતું જ્યારે માતા સઇદા બેગમ હતા. ઈરફાન અભિનેતાની સાથે સાથે નિર્માતા પણ હતા. ઈરફાને કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૮ની આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘સલામ બોમ્બે’થી કરી હતી. આ ફિલ્મ ઓસ્કર એવોર્ડ માટે પણ નોમિનેટ પણ થઇ હતી. એ વખતે ઇરફાન એનએસડીમાં અંતિમ વરસની તાલીમ લઇ રહ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ હતી. આ ફિલ્મ લોકડાઉન લાગુ થતાં જ થિયેટરોમાંથી જલદી ઊતારી લેવી પડી હતી.
નાનપણમાં ઇરફાનને જોકે ક્રિકેટની રમતમાં બહુ રસ હતો. તેમને ક્રિકેટની રમત માટે સિલેક્ટ પણ કરાયા હતા, પરંતુ તેમના પિતાએ ક્રિકેટને કારકિર્દી તરીકે અપનાવાની ના પાડી હતી. તેમને ગ્રેજ્યુએટની ડિગ્રી લેવાની સલાહ આપવામાં હતી. કોલેજમાં શિક્ષણ લેતાં લેતાં ઇરફાન અભિનય પ્રત્યે આકર્ષાયા હતા અને તેમને ભાન થયું હતું કે તે અભિનેતા બનવા માગે છે. અભ્યાસ પૂરો કર્યા પછી ઇરફાને અભિનયની તાલીમ લીધી હતી. બોલિવૂડ અને વિદેશી અભિનય ક્ષેત્રે તેમણે ઉમદા નામના મેળવી હતી અને ભારતનાં પદ્મશ્રી સન્માનથી તેઓને નવાજવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તેઓને તેમના અભિનય માટે નેશનલ એવોર્ડ સહિત અસંખ્ય એવોર્ડ મળ્યાં હતાં.

ગુજરાતી વાર્તા પરથી બનેલી સિરિયલમાં અભિનય

ઇરફાન ખાને ઘણી ધારાવાહિકમાં પણ કામ કર્યું હતું. આ શોઝમાં ‘શ્રીકાન્ત’, ‘ભારત એક ખોજ’, ‘ચાણક્ય’, ‘ચંદ્રકાન્તા’, ‘ધ ગ્રેટ મરાઠા’ અને ‘બનેગી અપની બાત’ સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈરફાન ઘણા શોમાં હોસ્ટ તરીકે પણ દેખાયા હતા. જેમાં ‘માનો યા ન માનો’ અને ‘ડોન’ જેવા શોનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીની લોકપ્રિય વાર્તા ‘એક સાંજની મુલાકાત’ પરથી હિન્દીમાં બનેલો એક શો ‘એક શામ કી મુલાકાત’ સ્ટાર પ્લસ પર રજૂ થયો હતો. આ શોમાં પણ ઈરફાન ખાને અભિનય કર્યો હતો. સિરિયલના પ્રથમ જ દૃશ્યમાં રિક્ષા સવાર ઈરફાન અભિનેત્રી તિસ્કા ચોપરા અને સંજય ગોરડિયા સાથે દેખાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter