અભિનેત્રી પરિણીતિ ચોપરા અને પતિ રાઘવ ચઢ્ઢાએ આ વખતે કરવા ચોથની ઉજવણી ખાસ રોમેન્ટિક અંદાજમાં અને અનોખી રીતે કરી હતી. ફ્લાઈટ લેટ હોવાથી બંને સમયસર ઘેર ન પહોંચી શકતા દંપતીએ 35 હજાર ફુટની ઉંચાઈએ વિમાનમાં જ કરવા ચોથની ઉજવણી કરીને વ્રત ખોલ્યું હતું. પરિણીતિએ સોશિયલ મીડિયા પર આ ખાસ પળોનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને ફ્લાઈટમાં કરવા ચોથ મનાવી રહ્યા છે. પરિણીતી ચાંદના દર્શન કરે છે. રાઘવને પ્રણામ કરે છે અને રાઘવના હસ્તે પાણી પીને વ્રત ખોલે છે.
વીડિયો શેર કરતાં પરિણીતિએ પતિ રાઘવ માટે એક નોંધ પણ શેર કરી છે. પરિણીતિએ લખ્યું કે, ‘અમે જ્યાં પણ હોઈએ, કરવા ચોથ ત્યાં જ છે. રાઘવ, તમે મારા તમામ સપના પૂરાં કર્યા છે. તમે સૌથી સારા, સૌથી પ્યારા માનવી છો.' પરિણીતિએ એમ પણ જણાવ્યું કે ફ્લાઈટમાં કરવા ચોથ ઉજવવાની કોઇ યોજના નહોતી. ફ્લાઈટ મોડી પડતાં ફ્લાઈટમાં જ વ્રત છોડવું પડ્યું હતું.


