અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા માટે વિદેશ પ્રવાસ હવે કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગયો છે. બોમ્બે હાઈકોર્ટે એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો આ દંપતીને લંડન જવું હોય, તો તેમણે રૂ.60 કરોડ કોર્ટમાં જમા કરાવવા પડશે અથવા રાષ્ટ્રીયકૃત બેંકની ગેરંટી આપવી પડશે. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ શિલ્પા અને રાજ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે 2015થી 2023 દરમિયાન દંપતીએ તેમની કંપની ‘બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ’માં રોકાણના નામે 60 કરોડ લીધા હતા. પરંતુ તે રકમનો ઉપયોગ ધંધાને બદલે પોતાના અંગત મોજશોખ માટે કર્યો હતો. આ મામલે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ તપાસ કરી રહી છે અને દંપતી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે.
રાજ કુન્દ્રાએ તેમના બીમાર પિતાની સારવાર માટે લંડન જવાની પરવાનગી માંગતી અરજી કરી હતી. જોકે, કોર્ટે તેમને રાહત આપવા માટે સખત શરત મૂકી છે.
આરોપ પાયાવિહોણાઃ શિલ્પા અને રાજ
દંપતીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવાની અરજી પણ કરી છે, જેમાં દાવો કરાયો છે કે આ કેસ તેમને બદનામ કરવા અને પૈસા પડાવવા માટે ઊભો કરવામાં આવ્યો છે.


