દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે બોલિવૂડમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ભારતનાં સૌથી વયસ્ક અભિનેત્રી કામિની કૌશલનું 14 નવેમ્બરે 98 વર્ષની વયે અવસાન થયું છે. કામિની કૌશલ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં. તેમણે પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી હતી. હીરોઈન તરીકે કામ કર્યા પછી તેમણે અનેક ફિલ્મોમાં માતાનું પાત્ર પણ યાદગાર રીતે નિભાવ્યું હતું.
1927માં લાહોરમાં જન્મઃ કામિની કૌશલનો જન્મ 24 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં જાણીતા બોટનિકલ વિજ્ઞાની પ્રો. એસ.આર. કશ્યપના ઘરે થયો હતો. તેમનું મૂળ નામ ઉમા કશ્યપ હતું. તેઓ બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાનાં હતાં. માત્ર સાત વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ઉમા કશ્યપ બાળપણથી જ પ્રતિભાશાળી હતાં. અભ્યાસમાં અવ્વલ રહેતાં ઉમાએ 10 વર્ષની ઉંમરે પોતાનું કઠપૂતળી થિયેટર બનાવ્યું હતું. તેમણે આકાશવાણી પર રેડિયો નાટકો પણ કર્યાં હતાં. ફિલ્મનિર્માતા ચેતન આનંદે તેમને રેડિયોમાં સાંભળ્યા અને તેમની મધુર અવાજથી પ્રભાવિત થઈ તેમને ‘નીચા નગર’ ફિલ્મ ઓફર કરી. ચેતન આનંદે જ તેમનું નામ ઉમાથી બદલાવી કામિની રાખ્યું, કારણ કે તેમની પત્નીનું નામ પણ ઉમા (આનંદ)
હતું અને તે ફિલ્મનો ભાગ પણ હતાં.
20 વર્ષની ઉંમરે સ્ટારડમઃ કામિની કૌશલે વર્ષ 1946માં ‘નીચા નગર’ દ્વારા કરિયર શરૂ કરી. આ ફિલ્મમાં તેમણે રૂપાનું પાત્ર ભજવ્યું હતું. 29 સપ્ટેમ્બર 1946ના રોજ ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રીમિયર થયું, જ્યાં તેમને ગોલ્ડન પામ એવોર્ડ મળ્યો હતો. ચેતન આનંદના નિર્દેશનમાં બનેલી આ પહેલી જ ફિલ્મથી કામિની સ્ટારડમના શિખરે પહોંચી ગયા હતાં. કરિયરનાં બીજા તબક્કામાં તેઓ અભિનેતા મનોજકુમારના ઓન-સ્ક્રીન માતા તરીકે ખાસ ચર્ચિત રહ્યાં હતાં.
જાણીતી ફિલ્મોઃ કામિની કૌશલની મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાં ‘શહીદ’ (1948), ‘નદિયા કે પાર’ (1948), ‘આગ’ (1948), ‘જિદ્દી’ (1948), ‘શબનમ’ (1949), ‘આરજુ’ (1950) અને ‘બિરાજ બહુ’ (1954) સામેલ છે. ‘બિરાજ બહુ’ માટે તેમને 1954માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. કામિની કૌશલના માત્ર અભિનયની જ નહીં, પરંતુ તેમની સુંદરતાની પણ તે દિવસોમાં ખૂબ ચર્ચા હતી. તેમણે પોતાના કરિયરમાં દરેક સમયમાંના મોટા કલાકારો સાથે કામ કર્યું. તાજેતરમાં તેઓ ‘કબીર સિંહ’માં શાહિદ કપૂરનાં દાદી અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં શાહરુખ ખાનની દાદીની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.


