બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને ‘જય ભીમ’ જેવી ફિલ્મોથી ભારતભરમાં જાણીતા થયેલા તમિલ સ્ટાર સૂર્યા તેમજ ગુજરાતી-અમેરિકન ડિરેક્ટર પાન નલિનને ઓસ્કર કમિટીમાં સ્થાન મળ્યું છે. તેમને આવતાં વર્ષના ઓસ્કર એવોર્ડ માટે મતદાનનો અધિકાર મળશે. ઓસ્કરનું સંચાલન કરતી એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા વિશ્વભરની 397 સેલિબ્રિટીને કમિટીમાં સ્થાન અપાયું છે. તેમાં ભારતમાંથી કાજોલ અને સૂર્યા ઉપરાંત ફિલ્મ રાઈટર રીમા કાગતી અને ફિલ્મ સર્જકો સુષ્મિત ઘોષ અને રિન્ટુ થોમસનો સમાવેશ થાય છે.
એકડમી ઓફ મોશન પિકચર આર્ટસ એડ સાયન્સ દ્વારા આ વરસે આમંત્રિત કરાયેલા 397 નવા સદસ્યોમાં અભિનેત્રી કાજોલ, સૂર્યા ઉપરાંત ભારતના ફિલ્મ નિર્માતા સુષ્મિત ઘોષ, રિન્ટુ થોમસ, રીમા કાગતીનો સમાવેશ થાય છે. એક દાવા અનુસાર પાન નલિન આ કમિટીમાં સ્થાન મેળવનારા કદાચ પહેલા ગુજરાતી હોઈ શકે છે.
સૂર્યા અને કાજોલનો એક્ટર તરીકે સમાવેશ કરાયો છે. ‘તલાશ’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મોના રાઈટર રીમા કાગતીને ફિલ્મ રાઈટર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. સુષ્મિત ઘોષ અને રિન્ટુ થોમસની ડોક્યુમેન્ટરી ‘રાઈટિંગ વીથ ફાયર ઓસ્કર’માં આ વર્ષે ડોક્યુમેન્ટરી કેટેગરીમાં નોમિનેટ થઈ છે. તેમને એ કેટેગરીમાં જ આ કમિટીમાં સ્થાન અપાયું છે. ભારતમાંથી આ પહેલાં એ. આર. રહેમાન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, વિદ્યા બાલન, આમીર ખાન, સલમાન ખાન, અલી ફઝલ ઉપરાંત આદિત્ય ચોપરા, ગુનપ્રીત મોંગા, એકતા કપૂર અને શોભા કપૂર આ કમિટીમાં સ્થાન મેળવી ચૂક્યાં છે.