પિતા-પુત્રીના સંબંધો વિશેની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’

Wednesday 16th June 2021 04:01 EDT
 
 

‘મારા પપ્પા સુપરહીરો’ તદ્દન નવા વિષયવસ્તુ સાથેની ગુજરાતી ફિલ્મ છે. પિતા-પુત્રીના સંબંધોની આ સંવેદનશીલ ફિલ્મ ખૂબ જ વાસ્તવિક લાગે છે. દરેક પુત્રીને પોતાના પિતા પ્રત્યે ખૂબ જ સ્નેહ અને લગાવ હોય છે. તે મોટી થાય ત્યાં સુધી એમ જ માનતી હોય છે કે તેના પિતા તેની દરેક માગણી પૂરી કરવા સક્ષમ છે. આ ફિલ્મની વાર્તા પણ કંઈક એવી જ છે.
ફિલ્મમાં નાની બાળકી કંકુ કેન્દ્રસ્થાને છે. તેના માતા-પિતા ગરીબ છે. આ કથા બાળકોની કલ્પના વિશેની છે. કંકુની સાધનસંપન્ન અને સુખી પરિવારની બહેનપણી તેને એમ કહે છે કે તેના પપ્પા સુપરહીરો છે. કંકુ પણ એવું માને છે કે તેના પિતા પણ સુપરહીરો છે અને તેની તમામ માગણીઓ પૂરી કરશે. જોકે, કલ્પના અને વાસ્તવિકતામાં આભ–જમીનનો તફાવત હોય છે. કંકુ તેની ઉંમર પ્રમાણે આ તફાવતને સમજી શકતી નથી. પોતાના પિતા સુપરહીરો છે અને તે તેના માટે બધું જ કરી છૂટશે તેમ માનીને તે એક પગલું ભરી લે છે. જોકે, તેનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. કંકુની સાથે તેના માતા-પિતા પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. જોકે, કંકુને માટે તેના પિતા સુપરહીરોનું પાત્ર ભજવે છે. દર્શકો આ ફિલ્મ જોશે ત્યારે જ તેમને હકીકત ખબર પડશે.
લંડનના વોટરમેન વેસ્ટ લંડન આર્ટસ સેન્ટરમાં ૧૯મી જૂને પ્રદર્શિત થનારી આ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ‘માઇકા’ (એમઆઇસીએ) - અમદાવાદના પ્રોફેસર ડો દર્શન અશ્વિન ત્રિવેદીએ કર્યું છે, જ્યારે તેના નિર્માતા ‘માઇકા’ના પ્રોફેસર ડો. યુ. ટી. રાવ છે.
ગુજરાતી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ લંડનના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે.
આ ફિલ્મની પટકથા યુવા પ્રતિભાશાળી લેખક રામ મોરીએ લખી છે. આ ફિલ્મમાં ભવ્ય સિરોહી, અભિનવ બેન્કર, શ્રદ્ધા ડાંગર, રેવંતા સારાભાઇ, પ્રિયંકા સારાભાઇ, ભૂષણ ભટ્ટ અને ભરત ઠક્કરે અભિનયના ઓજસ પાથર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter