ફિલ્મ જગતના પીઢ કલાકાર અચ્યુત પોતદારનું 91 વરસની વયે નિધન થયું છે. મુંબઇની થાણે હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અચ્યુત પોતદારે 80ના દાયકામાં ફિલ્મો અને ટીવી શોઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ‘થ્રી ઇડિયટ’ના એન્જિનિયરિંગ પ્રોફેસરનો રોલ યાદગાર છે. તેમનો આ ફિલ્મનો ‘અરે, આખિર કહના ક્યા ચાહતે હો?’ ડાયલોગને આજે પણ લોકો યાદ કરે છે અને તેના પર મીમ્સ બનાવે છે. તેમણે કારકિર્દી દરમિયાન ‘આક્રોશ’, ‘અલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’, ‘અર્ધસત્ય’, ‘તેજાબ’, ‘પરિંદા’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘દિલવાલે’, ‘યે દિલ્લગી’, ‘રંગીલા’, ‘મૃત્યુદંડ’, ‘યશવંત’, ‘ઇશ્ક’, ‘વાસ્તવ’, ‘આ અબ લોટ ચલે’, ‘હમ સાથ સાથ હૈ’, ‘પરિણિતા’, ‘દામિની’ ‘લગે રહો મુન્ના ભાઇ’, ‘દબંગ ટુ’ સહિત 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તો ટીવી પરદે તેમણે ‘વાગલે કી દુનિયા’, ‘માઝા હોશિલ ના’, ‘મિસેજ તેંદુલકર’ વિવિધ સિરિયલોમાં તેમજ અનેક વિજ્ઞાપનોમાં તેમણે પાત્ર ભજવ્યા હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે અચ્યુત પોતદાર રિટાયર્ડ આર્મીમેન હતા. 22 ઓગસ્ટ 1934ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા અચ્યુત પોતદાર કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી રેવામાં પ્રોફેસર બન્યા. આ પછી, તેઓ ભારતીય સેનામાં જોડાયા અને 1969માં કેપ્ટન પદેથી નિવૃત્ત થયા બાદ 25 વર્ષ સુધી ઇન્ડિયન ઓઇલમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું અને 1992માં નિવૃત્ત થયા. તેમણે ઇન્ડિયન ઓઇલમાં કામ કરતી વખતે અભિનયનો શોખ સંતોષવા નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમના ઉત્તમ અભિનયને કારણે, તેમને પહેલા ટીવી શોમાં અને પછી હિન્દી ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું. વિધુ વિનોદ ચોપરાની લગભગ દરેક ફિલ્મમાં અચ્યુતની હાજરી નિશ્ચિત મનાતી હતી.