હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા. 1970થી 1990ના દાયકા સુધી ફિલ્મઉદ્યોગમાં સક્રિય ભરત કપૂરે સહાયક ભૂમિકાઓ, નેગેટિવ રોલ તેમજ પોલીસ અધિકારી કે વકીલની ભૂમિકા દ્વારા અલગ ઓળખ બનાવી હતી. તેમની મશહૂર ફિલ્મોમાં ‘નૂરી’, ‘રામ બલરામ’, ‘લવ સ્ટોરી’, ‘બાઝાર’, ‘ગુલામી’, ‘આખરી રાસ્તા’, ‘સત્યમેવ જયતે’, ‘સ્વર્ગ’, ‘ખુદા ગવાહ’, ‘રંગ’, ‘બરસાત’ અને ‘સાજન ચલે સસુરાલ’ સહિતની અનેક ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત તેમણે ‘ચંદ્રકાંતા’, ‘કેમ્પસ’, ‘સાંસ’ અને ‘તારા’ સહિતની ટીવી સીરીયલોમાં પણ કામ કર્યું હતું.


