પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન

Monday 28th November 2022 07:26 EST
 
 

હિંદી અને મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેએ 77 વરસની વયે 26 નવેમ્બરે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર ફેલાતા જ હિંદી અને મરાઠી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઇ હતી. તેમના અંતિમ સંસ્કાર વૈકુંઠ સ્મશાન ભૂમિમાં કરાયા હતા. તેઓ પાંચમી નવેમ્બરથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન એક વખત તેમના સ્વાસ્થ્યમાં સુધારાના સંકેત પણ જોવા મળ્યા હતા. પરંતુ પછી તેમની તબિયત કથળી હતી. હજી થોડા દિવસો પહેલા જ તેમના નિધનની અફવા ઊડી હતી. આ પછી તેમના પત્ની અને પુત્રીએ જણાવ્યું હતું કે, તેમની તબિયત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને હાર્ટ અને કિડની સંબંધિત તકલીફો હતી. તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મૃત્યુના બે દિવસ પૂર્વે તેઓ કોમામાં સરી ગયા હતા અને તેમનું બ્રેઇન પણ ડેડ થઇ ગયું હતું.
વિક્રમ ગોખલેને કારકિર્દીની શરૂઆતના દિવસોમાં મુંબઇમાં ભારે સંઘર્ષ કરવો પડયો હતો. તેમની પાસે રહેવા માટે મકાન પણ નહોતું. તેની જાણકારી અમિતાભ બચ્ચનને થતાં જ તેમણે તાત્કાલીન મુખ્યમંત્રી મનોહર જોશીને પત્ર લખીને વિક્રમ ગોખલેને રહેવા માટે મકાનની સગવડ કરી આપવા વિનંતી કરી હતી. આ પછી તેમને મુંબઇમાં સરકારી આવાસ મળ્યું હતું. અમિતાભનો આ ઉપકાર તેઓ કદી ભૂલ્યા નહોતા. મીડિયામાં જ્યારે પણ પોતાના સંઘર્ષની વાત કરતા હતા ત્યારે તેઓ આ ઘટનાનો ચોક્કસ ઉલ્લેખ કરતા હતા.
વિક્રમ ગોખલેએ ફિલ્મો અને ટેલિવિઝન ઉપરાંત થિયેટરમાં પણ ઘણું કામ કર્યું હતું. કારકિર્દીની શરૂઆત તેમણે 1971માં અમિતાભ બચ્ચનની ‘પરવાના’ ફિલ્મથી કરી હતી. તેમણે અમિતાભ બચ્ચનની 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અગ્નિપથ’, સલમાન ખાનની ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘ભૂલ ભૂલૈયા’, 2015ની ‘નટસમ્રાટ’ અને ‘મિશન મંગલ’ ઉપરાંત અનેક ફિલ્મોમાં મહત્વના રોલ કર્યા છે. હજી થોડા સમય પહેલા જ તેમની મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ રિલીઝ થઇ હતી જે દર્શકોએ ભરપૂર વખાણી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter