‘અરે જા રે નટખટ ન ખોલ મોરા ઘૂંઘટ, પલટ કે દુંગી આજ તોરે ગાલી લે.’ ગીત સાંભળતાં જ બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમાનાં દિગ્ગજ અભિનેત્રી સંધ્યા નૃત્ય કરતાં યાદ આવી જાય છે. પીઢ અભિનેત્રી સંધ્યા શાંતારામે 87 વરસની વયે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. મુંબઇના શિવાજી પાર્ક સ્થિત વૈંકુઠ ધામમાં તેમના પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયાં હતાં.
સંધ્યાનો જન્મ 13 સપ્ટેમ્બર 1938ના રોજ થયો હતો. તેમણે અમર ભૂપાલી, પરછાંઇ, તીન બત્તી ચાર રસ્તા, ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારા બાથ, નવરંગ, સ્ત્રી, જલ બિન મછલી નૃત્ય બિન બિજલી, સહેરા, લડકી સહયાદ્રી કી જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી. સંધ્યાના મરાઠી અને હિંદી સિનેમાના અદભૂત અભિનય અને નૃત્યને આજે પણ લોકો યાદ કરે છે. તેમનો મરાઠી ફિલ્મ પિંજરાના અભિનય લોકો આજે પણ ભૂલ્યા નથી. તેમણે બોલીવૂડમાં ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારા હાથ, નવરંગમાં યાદગાર ભૂમિકાઓ કરી છે.
સંધ્યા જાણીતા ફિલ્મસર્જક વી. શાંતરામનાં ત્રીજાં પત્ની હતાં. શાંતારામે બીજાં પત્ની જયશ્રી સાથે છૂટાછેડા લીધા પછીના એક મહિના બાદ સંધ્યા સાથે લગ્ન કરી લીધા હતા. ફિલ્મ પિંજરા દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, જે લગ્નબંધનમાં પરિણમ્યો હતો. જોકે સંધ્યાએ અધિક ફિલ્મો કરી નથી. વી. શાંતારામે 1851માં પોતાની ફિલ્મ અમર ભૂપાલી માટે નવી પ્રતિભાઓની શોધ દરમિયાન સંધ્યાની પ્રતિભાને ઓળખી હતી અને ફિલ્મમાં તેને એક સિંગરની ભૂમિકા આપી હતી.