હિન્દી ફિલ્મઉદ્યોગનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી સુલોચનાનું ચોથી જૂનના રોજ અવસાન થયું છે. તેઓ 94 વર્ષનાં હતાં. સુલોચના ચાલીસ અને પચાસના દાયકાનાં જાણીતાં અભિનેત્રી હતાં. લાંબા સમયથી તેઓ શ્વાસમાં તકલીફ અનુભવી રહ્યા હતા. ઉંમરને કારણે થતી બીમારીએ તેમને ઘેરી લીધા હતા. તેમણે અનેક હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. હિંદી ફિલ્મમાં તેઓ રાજેશ ખન્નાના માતાની ભૂમિકા પણ નિભાવી ચૂક્યા હતા. શ્વાસની તકલીફને કારણે તેમને થોડા મહિના પહેલાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર પછી તેમને રજા આપવામાં આવી હતી. આ પછી તેમને ફરી મુંબઇની સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઇના પ્રભાદેવી સ્થિત તેમના નિવાસસ્થાને સોમવારે તેમના દેહને અંતિમ દર્શને રખાયો હતો, જ્યાં ફિલ્મ કલાકારો તેમજ ચાહકોએ અંજલિ અર્પી હતી. બાદમાં શિવાજી પાર્ક સ્મશાન ઘાટે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.