ફિલ્મ ‘આશિકી’ની સફળતા સાથે જ રાતોરાત સ્ટાર બની ગયેલો રાહુલ રોય આજે જીવનમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. ડેબ્યૂ ફિલ્મની સુપરડુપર હીટ સફળતા બાદ ધારી સફળતા સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહેલો રાહુલ રોય તાજેતરમાં એક કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ બનાવતો જોવા મળ્યા બાદ ફરી સમાચારમાં છે. લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરીને ભારે મજાક ઉડાવી હતી. જોકે હવે રાહુલ રોયે એક ભાવુક પોસ્ટ લખતાં કહ્યું છે કે અત્યારે મને પૈસાની જરૂર છે એટલે હું રીલ બનાવું છે. મારી મજાક ઉડાવવાને બદલે કમસેકમ મને કામ અપાવવામાં મદદ કરો. તેની આ હૃદયસ્પર્શી પોસ્ટ બાદ બોલિવૂડમાંથી તૃપ્તિ ડિમરી, ફરહાન અખ્તર, અનુપમ ખેર, સોનુ સુદ સહિતના અનેક કલાકારોએ તેને ભાવનાત્મક સપોર્ટ જાહેર કર્યો હતો.
રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે લોકો મારી નમ્રતા, સાદગી અને સ્ટ્રગલની મજાક ઉડાવી રહ્યા છે. પરંતુ હકીકત છે એ કે મને બ્રેઈન સ્ટ્રોક આવ્યો એ પહેલાંની કેટલીક લીગલ બાબતો માટે મારે પૈસાની જરૂર છે. હું અન્ય લોકોની મજાક ઉડાવવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાની કોશિશ કરી રહ્યો છું તે વાતની તો કમસે કમ નોંધ લો. બ્રેઈન સ્ટ્રોક આવ્યા પછી મારે એક્ટિવ રહેવું પડે તેમ છે. હું રીલ બનાવું છું તો મારી જાતને સક્રિય રાખી શકું છું. મારી મજાક ઉડે છે તેથી મને પીડા થાય છે પરંતુ હું તેનાથી નાસીપાસ નહીં થાઉં.’
રાહુલની આ પોસ્ટ પછી સિનારિયો બદલાયો હતો. તેને ટ્રોલ કરવાનું છોડીને હજારો લાઈક્સ તથા કોમેન્ટ આવી હતી. અનેક કલાકારો સહિત ફિલ્મચાહકોએ તેને સપોર્ટ વ્યક્ત કર્યો હતો અને આવી ટીકાઓને મન પર નહીં લેવા જણાવ્યું હતું. તૃપ્તિ ડિમરીએ લખ્યું હતું કે તું અમારા માટે સ્ટાર છો અને કાયમ સ્ટાર રહીશ.


