મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવા અને પ્રસારિત કરવાના કેસમાં રાજ કુંદ્રા ફરી એક વખત સમાચારમાં છે. રાજ કુંદ્રા કથિત પોર્નોગ્રાફી કેસમાં આરોપી છે. અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવાના આ બહુચર્ચિત કિસ્સા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના પાસાંની તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શુક્રવારે વહેલી સવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાના નિવાસસ્થાન અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા રાજ કુંદ્રાના ઘરે તેમજ તેમના સાથીદારોના ઠેકાણાઓ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઈડીએ મુંબઈ અને ઉત્તરપ્રદેશમાં કુલ 15 જેટલા સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન ઝડપાયેલી કેટલીક સામગ્રી સંદર્ભે પૂછપરછ માટે રાજ કુંદ્રાને ઈડીના મુંબઇ સ્થિત કાર્યાલયે હાજર થવા માટે સમન્સ મોકલાયું હતું.