પ્રતિભાશાળી યુવાનો માટે સુશાંતસિંહ રાજપૂત ફાઉન્ડેશનનું નિર્માણ થશે

Tuesday 30th June 2020 17:53 EDT
 
 

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના નામે ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવશે. આ ફાઉન્ડેશન દ્વારા સિનેમા, સાયન્સ અને સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં હીર ધરાવતાં યુવાનોને સહયોગ અપાશે. ફાઉન્ડેશનનું નામ સુશાંતસિંહ રાજપૂત ફાઉન્ડેશન રખાશે. આ ઉપરાંત સુશાંતનો પરિવાર પટણાનાં રાજીવનગર વિસ્તાર સ્થિત તેનાં બાળપણનાં ઘરને તેનાં પ્રશંસકો માટે એક સ્મારકમાં પરિવર્તિત કરશે. જેનાં થકી તેઓ સુશાંતને તેનાં પ્રશંસકોનાં હૃદયમાં હંમેશા જીવતો રાખી શકાય. ઉલ્લેખનીય છે કે ૧૪ જૂનનાં રોજ સુશાંતસિંહ રાજપૂતે મુંબઈનાં બાન્દ્રામાં સ્થિત તેનાં ઘરમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.
અમારા માટે ગુલશન
મૃત્યુ બાદ સુશાંતનાં પરિવારે પહેલીવાર તેના વિશે લખીને અમુક વાત શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, તમારા માટે એ સુશાંતસિંહ રાજપૂત પણ અમારા માટે ગુલશન. ખુલ્લું હૃદય, વાતોડિયો અને તીક્ષ્ણ બુદ્ધિ સાથે દરેક બાબત માટે ઉત્સુક રહેતો. મોટા સપનાંઓ જોઈને તેને સાચા કરી બતાવવાનો શોખ હતો.

સુશાંતસિંહની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ

સુશાંતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ ૨૪મી જુલાઈએ ડિજિટલી રિલીઝ થવા જઈ રહી છે. ડિઝની પ્લે હોટસ્ટાર પર આ ફિલ્મ રિલીઝ થવા અંગે ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરાએ કહ્યું કે સુશાંત માટે અમરા તરફથી આ નાનકડી શ્રદ્ધાંજલિ છે.
સુંશાતના મિત્ર અને કાસ્ટિંગ ડિકેક્ટર મુકેશ છાબરાની ડિરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ પહેલાં ૮મી મેએ રિલીઝ થવાની હતી. મુકેશે કહ્યું કે, આ ફિલ્મને હોટસ્ટાર પર બધા લોકો જોઇ શકશે. જેણે હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન લીધું છે તે પણ અને જેની પાસે નથી તે પણ. હોટસ્ટારના હર શુક્રવાર બ્લોકબસ્ટર કા વાર કેમ્પેઇન અંતર્ગત આ ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી મળી છે. આ પ્લેટફોર્મ પર આગામી સમયમાં ૮ મોટી ફિલ્મો રિલીઝ થશે.
ડિજિટલ રિલીઝનો વિરોધ
ફિલ્મના ડિજિટલ રિલીઝ અંગે સુંશાતના પરિવાર અને ફેન્સે નારાજગી દર્શાવી છે. સુશાંતના પિતરાઈ ભાઈ નીરજ સિંહે કહ્યું કે આ સુંશાતની આત્મા સાથે ખોટું કરાઈ રહ્યું છે. ડિજિટલ રિલીઝથી સ્પષ્ટ છે કે હજુ તેમના વિરુદ્વ કારસો રચાઈ રહ્યો છે. અમે આ ફિલ્મના મેકર્સની વિરોધ કરીએ છીએ. થિયેટરમાં રિલિઝનું અલગ મહત્ત્વ હોય છે. ખબર પડે કે કેટલા લોકોએ જોઇ અને શું રેકોર્ડ બનાવ્યો. અમારી વિનંતી છે કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે બદલવામાં આવે.

• સુશાંતના નિધન પછી તેના સ્વજનો, મિત્રો અને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના સ્મરણો, તેની વાતો, તસવીરો અને વીડિયો સતત શેર કરી રહ્યાં છે. તેના નિધનના ૧૩ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર સુશાંતના પાંચ મિલિયન ફોલોઅર્સ વધી ગયાં છે. ઈન્સ્ટાગ્રામે તેના એકાઉન્ટને અમર બનાવી દીધું છે. સુશાંતના નિધન પહેલા ઈન્સ્ટાગ્રામ પર લગભગ તેના ૯ મિલિયન ફોલોઅર્સ હતા. આ પછી થોડા જ દિવસોમાં ફોલોઅર્સની સંખ્યા ૧૧ મિલિયન થઈ ગઈ છે અને હવે વધીને ૧૩.૯ મિલિયન સુધી પહોંચી ગઈ છે.
• ભાજપના સાંસદ રૂપા ગાંગુલી પછી હવે કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ પણ સુશાંતસિંહનાં મૃત્યુની સીબીઆઈ તપાસ કરાવવા માગ કરી છે. સુપ્રિયોએ ટ્વિટ કરીને કહ્યું છે કે સુસાઈડ નોટ નહીં મળવાથી અને કેટલાક જવાબદાર માણસોની અસંવેદનશીલ ટિપ્પણીથી સુશાંતના મૃત્યુ પાછળ ઘણા સવાલ ઊભા થયાં છે.
• સુશાંતસિંહની આત્મહત્યાનાં કેસમાં મુંબઈ પોલીસે યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસનાં બે પૂર્વ અધિકારી આશિષ સિંહ અને આશિષ પાટિલનાં નિવેદન લીધાં છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માની પણ પૂછપરછ કરી હતી. સુશાંતના મૃત્યુ પછી ૨૯મી જૂન સુધીમાં આશરે ૨૩થી વધુ લોકોની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાં સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેથી લઈને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે.
• કરણ જોહરે મુંબઈ એકેડેમી ઓફ મૂવિંગ ઈમેજ (મામી) ફિલ્મ ફેસ્ટિવલનાં બોર્ડ મેમ્બરમાંથી રાજીનામું આપી દીધું છે. નેપોટિઝમનાં મેણા-ટોણાથી થાકીને કરણે રાજીનામું આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter