પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શનની મુલાકાતેઃ કરણ, સૈફ અને કરીના સાથે લંચ

Wednesday 25th November 2026 05:15 EST
 
 

ભારતની 3 દિવસની મુલાકાત અંતર્ગત બુધવારે પ્રિન્સ વિલિયમે મુંબઇમાં જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ઓફિસની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બોલિવૂડનું સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ ખાસ ઉપસ્થિત રહ્યું હતું.
આ મુલાકાત દરમિયાન રોયલ કપલને બોલિવૂડ અને ભારતીય વાનગીઓનો એક યાદગાર પરિચય કરાવાયો હતો. આ પ્રસંગે એક રંગારંગ નૃત્ય પ્રદર્શન અને ભારતીય સ્વાદને આધુનિક ટ્વિસ્ટ સાથે રજૂ કરતું સ્પેશિયલ મેનુ રાખવામાં આવ્યું હતું.
બ્રિટિશ સિંહાસનના ઉત્તરાધિકારીએ અહીં લગભગ 45 મિનિટ વિતાવી હતી, જયાં તેમનું સ્વાગત સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને સીઈઓ અપૂર્વ મહેતા દ્વારા કરાયું હતું. મુલાકાત વેળા પ્રિન્સ વિલિયમ સમક્ષ ભારતીય સિનેમાના ગીત-સંગીત-નૃત્યની સાથેસાથે ઉષ્માભર્યા આતિથ્ય સત્કારની અદભુત ઝાંખી રજૂ કરાઇ હતી. આ પ્રસંગે પરંપરાગત વસ્ત્રો પહેરેલા નર્તકોના એક જૂથે કરણ જોહરની વર્ષ 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના લોકપ્રિય ગીતો ‘શાવા શાવા...’ અને ‘બોલે ચૂડિયાં...’ પર શાનદાર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. આ ગીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી કરીના કપૂર પ્રિન્સ વિલિયમની બાજુમાં ઊભાં રહીને આ ખાસ અભિવાદનનો આનંદ માણતી નજરે પડી હતી. કરણ જોહરે પ્રિન્સને તેમની ફેમિલી ડ્રામા ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ જોવાની અપીલ પણ કરી હતી, જેનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થયું હતું.
કરણ જોહરે બાદમાં એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘પ્રિન્સ વિલિયમનું ધર્મા પ્રોડક્શન્સની મુલાકાતે આવવું એ ખૂબ જ સન્માનજનક અને અદભુત અનુભવ હતો. તેઓ ખૂબ જ વિનમ્ર સ્વભાવના છે અને તેમણે ભારતીય સિનેમાની સંભાવનાઓ તથા વિશ્વભરમાં ભારતીય ભાષાઓની તમામ ફિલ્મોને મળતા પ્રેમ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.’
આ પ્રસંગે શેફ આનંદ મોરવાણી અને રોહન મંગલોરકરે પ્રિન્સ વિલિયમ માટે પાઈનેપલ અને ખસખસની ચટણી સાથે ચિકન નરગિસી કોફ્તા, પિંડી છોલે, દહીં સાથે બીટરૂટ, ગોટ ચીઝ ટિક્કી તેમજ રોસ્ટેડ બેલ પેપર્સ અને ગ્લુટેન-ફ્રી ક્રૂટોન્સ સાથે પારસી ખીમા શકશુકા જેવી લિજ્જતદાર વાનગીઓ તૈયાર કરી હતી. આ તમામ વાનગીઓમાં બટર ગાર્લિક ક્રેબ શૂ સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. મેનુમાં લોબસ્ટર અને એગ અકુરી, મિની વડાપાવ અને ઢોકળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ડેઝર્ટમાં મહેમાનોને ગુલાબ જાંબુ ચીઝકેક અને જલેબી પીરસવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter