કોરોના મહામારી દરમિયાન એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને દેશવાસીઓને એક યા બીજા પ્રકારે મદદરૂપ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા પણ અમેરિકામાં વસવાટ છતાં ભારત માટે શક્ય એટલી મદદ પહોંચાડી રહી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને જાણકારી આપી છેઃ મેં અન્યોની મદદથી ૫૦૦ ઓક્સિજન કન્સટ્રેટર અને ૪૨૨ ઓકિસજન સિલિન્ડર ખરીદ્યા છે તેમજ વેક્સિનેશનના ૧૦ સેન્ટર પર લોકોની નિયુક્તિ કરી છે. આ નોંધની સાથોસાથ તેણે આ સત્કાર્ય માટે ભંડોળ એકઠું કરવામાં મદદ કરનારાઓનો પણ આભાર માન્યો છે.
પ્રિયંકાએ ફંડરેઇઝિંગ દ્વારા ૩ મિલિયન ડોલર એટલે કે લગભગ ૨૨ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, જેમણે પણ આ ભંડોળ માટે ડોનેશન આપ્યું છે તે દરેકનો હું આભાર માનું છું. તમે લોકોએ અન્યોના જીવન બચાવવામાં મદદ કરી છે.
પ્રિયંકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેના પ્રસંશકો તેના વખાણ કરી રહ્યા છે, તેમજ આભાર પણ માની રહ્યા છે.