એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. તે વિદેશમાં તેની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. તેણે 2021માં ટ્વિન્સને જન્મ આપ્યો હતો અને હવે બંનેનું મુંડન કરાવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર મુંડન સેરેમનીની તસવીર શેર કરી છે અને સાથે જ આ વિધિનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. પ્રીટિ ઝિન્ટાએ શેર કરેલી તસવીરમાં તેના ટ્વિન્સ - જય અને જિયા ફ્લોર પર બેઠા છે અને કેમેરા તરફ તેમની પીઠ છે. તસવીર શેર કરતા પ્રીટિએ લખ્યું છેઃ ‘આખરે આ વીકએન્ડમાં બંનેની મુંડન સેરેમની થઈ. હિન્દુ ધર્મમાં પહેલી વાર વાળ મુંડાવવા એ પાછલા જન્મની યાદોથી શુદ્ધિકરણ અને ભૂતકાળથી આઝાદી મળવા સમાન ગણાય છે, જય અને જિયા તેમની મુંડન સેરેમની બાદ.’ ઉલ્લેખનીય છે કે પ્રીટિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે તેની માતૃભૂમિ ભારતથી દૂર રહી શકતી નથી. પ્રીટિ તાજેતરમાં ભારત આવી હતી. મુંબઇમાં તે નરિગસ ફખરી સહિત ઘણા ફ્રેન્ડ્સને મળી હતી અને તેમની સાથે ગપસપ કરી હતી.
જોકે હવે તે લોસ એન્જેલસ સ્થિત પોતાના નિવાસસ્થાને પરત કરી ચૂકી છે. ત્યાં પહોંચ્યા બાદ તેણે જય અને જિયાની મુંડન સેરેમનીની તસવીર ફેન્સ સાથે શેર કરી હતી.