રહેણાકની ઈમારતને હોટેલ બનાવવાના કેસમાં બોમ્બે હાઇ કોર્ટે એક્ટર સોનુ સૂદને રાહત આપવાની અરજી નામંજૂર કરી હતી. હવે મુંબઈ પોલીસ સોનુ વિરુદ્ધ FIR ફાઈલ કરવા માટે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાનું સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટે કહી રહી છે. જૂહુ પોલીસનું કહેવું છે કે આ કેસમાં પ્રારંભિક તપાસ શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં FIR ફાઈલ કરાઈ શકે છે. આ પહેલાં હાઇ કોર્ટે યાચિકા નકારતાં સોનુ સૂદે BMCને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જાન્યુઆરી, ૨૦૨૧ની શરૂઆતમાં સિટી સિવિલ કોર્ટ દિંડોશીના નિર્ણય વિરુદ્ધ સોનુ સૂદે હાઇ કોર્ટમાં યાચિકા પણ લગાવી હતી. BMCએ તેની નોટિસમાં લખ્યું હતું કે, ૬ માળની બિલ્ડિંગ શક્તિ સાગરમાં સોનુ સૂદે ઘણા ફેરફાર કર્યાં છે. તેણે આ રહેણાક બિલ્ડિંગને મંજૂરી વગર હોટેલમાં ફેરવી દીધી છે.
BMCના સ્ટેટમેન્ટ બાદ સોનુ પર FIR
પોલીસે જણાવ્યું કે, અમે આ કેસમાં પ્રારંભિક તપાસ શરૂ કરી છે. BMCને પોતાનું સ્ટેટમેન્ટ ફાઈલ કરાવવા માટે એન્જિનિયરને મોકલવા પણ કહેવામાં આવ્યું છે. સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ ગયા બાદ અમે સોનુ સૂદ પર FIR ફાઈલ કરશું. ત્યાંના જ વેસ્ટ વોર્ડના સહાયક નગર આયુક્ત વિશ્વાસ મોતેએ કહ્યું કે, અમે પોલીસને એક વિસ્તૃત ફરિયાદ મોકલી છે. એન્જિનિયર કોરોના પોઝિટિવ છે, પણ પોલીસને પૂરો સાથ અને સહયોગ આપશું.
યાચિકા હાઇ કોર્ટે નકારી હતી
થોડા દિવસ પહેલાં જ બોમ્બે હાઇ કોર્ટે BMCની નોટિસ વિરુદ્ધ રોક કે ઇન્ટરિમ બેલ આપવાની અરજી નકારી હતી. આ કેસની સુનાવણીમાં યાચિકા નકારતા જજે કહ્યું હતું કે, કાયદો માત્ર તેની મદદ કરે છે જે મહેનતુ છે. હવે આ કેસમાં નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થશે, જોકે હજુ સુનાવણીને લઈને કોઈ તારીખ જાહેર થઇ નથી.
સોનુની છબિને નુક્સાન
સોનુના વકીલ વિનીત ઢાન્ડાએ કહ્યું હતું કે, આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે કારણકે આ પડકારનો મુખ્ય આધાર એ જ છે કે BMCએ તેને પ્રોપર્ટી માલિક તરીકે નોટિસ મોકલી છે. ‘રીઢો ગુનેગાર’ જેવા શબ્દ માત્ર સોનુની છબિ ખરાબ કરવા માટે વાપરવામાં આવ્યા છે જ્યારે બિલ્ડિંગની અંદર કોઈપણ પ્રકારના ફેરફાર માટે કોઈ મંજૂરીની જરૂર નથી. જજ પૃથ્વીરાજ ચૌહાણની સિંગલ બેન્ચે સોનુની અરજીને મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ ૫૩ હેઠળ ખોટી ગણાવી હતી.
સોનુ સૂદના વકીલે ઓક્ટોબરમાં BMCને નોટિસ મોકલ્યા બાદ ૧૦ અઠવાડિયાનો સમય માગ્યો હતો. તેમણે હાઇ કોર્ટને અપીલ કરી હતી કે તે સિવિક બોડીને આદેશ આપે કે તે આ બિલ્ડિંગને નષ્ટ કરવાનું કામ શરૂ ન કરે. જોકે કોર્ટે આવો કોઈ આદેશ આપવાની ના પાડી BMCને જ સંપર્ક કરવા કહ્યું. જજે કહ્યું હતું કે બોલ હવે BMCના અધિકારમાં છે તો તમે (સોનુ સૂદ) તેનો સંપર્ક કરી શકો છો.