પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામેની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી જોર પકડી રહી હતી. હવે માહિતી-પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા મુજબ ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ કરવા માટે મંજૂરી નહીં અપાય. મતલબ કે ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય. સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની ભાવનાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.
પહલગામ પર થયેલા હુમલા મુદ્દે ફવાદે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘પહલગામ ઘટનાના સમાચાર સાંભળીને ઘેરું દુઃખ થયું છે. ઘટનાના પીડિતો સાથે અમારી સંવેદના છે. આ મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારોને શક્તિ પ્રદાન કરવા અમે પ્રાર્થના કરીશું.’ તો વાણીએ પણ લખ્યું હતું કે, ‘જ્યારથી મેં પહલગામમાં નિર્દોષ લોકો પર હુમલો થયાની ઘટના જોઈ છે ત્યારથી સ્તબ્ધ છું. મારી પાસે શબ્દ નથી. હું તૂટી ગઈ છું. મારી પ્રાર્થના તેમના પરિવારો સાથે છે.’
આરતી એસ. દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ભારતમાં નવમી મેના રોજ રિલીઝ થવાની હતી. તે ફિલ્મની મદદથી ફવાદ નવ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવાનો હતો. વર્ષ 2016માં ઉરી આતંકી હુમલો થયા પછી પાક. કલાકારો સામે ભારતમાં પ્રતિબંધ લાગી ગયો હતો. વર્ષો પછી ફવાદ ‘અબીર ગુલાલ’ ફિલ્મ સાથે કમબેક કરવાનો હતો. જોકે પૂરી ફિલ્મનું શૂટિંગ વિદેશોમાં થયેલું છે.