ફિલ્મ-પ્રીવ્યૂ: હેપી ન્યૂ યર

Monday 27th October 2014 08:38 EDT
 
આ ટીમ છે ઇન્ડિયાની ટીમ અને ઇન્ડિયાની આ ટીમનો કેપ્ટન છે ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચાર્લી (શાહરુખ ખાન). ચાર્લીએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે, પણ તેનું ગણતર મુંબઈની સૌથી ખરાબ કહેવાય એવી ચાલ અને ગલીઓમાં થયું છે. ચાર્લી તેની જિંદગીમાં કંઈ પામી નથી શક્યો અને એટલે જ તેના પર ‘નિષ્ફળ’નું શીર્ષક લાગી ગયું છે. આ ડાન્સ-કોમ્પિટિશન માટે જે ટીમ તૈયાર કરવાની છે એમાં ચાર્લી સૌથી પહેલાં નંદુ ભીડે (અભિષેક બચ્ચન)ને પોતાની સાથે લે છે. નંદુએ પણ તેની જિંદગીમાં નિષ્ફળતા સિવાય કંઈ જોયું નથી. તેનું અંગત જીવન સાવ ખતમ થઈ ગયું છે અને તેના પર દેવું પણ ખૂબ ચડી ગયું છે.

અબજો રૂપિયાની આ સ્પર્ધા માટે ચાર્લીની ટીમનો ત્રીજો સભ્ય છે ટેમ્ટન ઈરાની (બમન ઈરાની) એટલે કે ટેમી. પારસી બેચલર એવો ટેમી આમ તો શેફ છે, પણ તાળાં ખોલવામાં તેની માસ્ટરી છે. ચાર્લીની સાથે ચોથી વ્યક્તિ છે કેપ્ટન જગમોહન પ્રકાશ (સોનુ સૂદ) એટલે કે જગ. ઇન્ડિયન આર્મીમાં રહેલો જગ બોમ્બ ડિફ્યુઝ કરવામાં માસ્ટર છે, સાથોસાથ તે બોમ્બ બનાવવામાં પણ નિષ્ણાત છે. આ જ ટીમમાં રોહન સિંહ (વિવાન શાહ) છે. વિવાન નાનપણથી ગુનાઓના રવાડે ચડી ગયો છે, પણ તે વેબસાઇટ હેક કરવામાં ઉસ્તાદ છે. તે ટાઇમપાસ માટે પણ વેબસાઇટ હેક કરે છે તો નાણાં ટ્રાન્સફર કરવા માટે પણ આવું કામ કરતાં ખચકાતો નથી.

૧૭ વર્ષના રોહનથી લઈને બાવન વર્ષના ટેમી સાથે ચાર્લી ડાન્સ-કોમ્પિટિશનમાં ઊતરવા માગે છે, પણ મજાની વાત એ છે કે આ ટીમ પાસે માત્ર ઝનૂન છે. આ ઝનૂનીઓને ડાન્સ શીખવવા માટે ચાર્લી મોહિની જોશી (દીપિકા પાદુકોણ)ને લઈ આવે છે. મોહિની બારગર્લ છે અને તેનું સ્વપ્ન છે કે તે એક દિવસ તે પોતાની ડાન્સ-એકેડેમી શરૂ કરશે. હંમેશાં ખરાબ નજર સહન કરતી અને માન માટે તરસતી રહેતી મોહિની ચાર્લીની ટીમને તૈયાર કરવાનું કામ શરૂ કરે છે. જોકે એક દિવસ તેને અચાનક ખબર પડે છે કે જે ટીમ છે એ ડાન્સ માટે નહીં પણ દુબઈના બિઝનેસ-ટાઇકૂન ચરણ ગ્રોવર (જેકી શ્રોફ)ની સામે જંગે ચડવા માટે આ કોમ્પિટિશનનો ઉપયોગ કરી રહી છે ત્યારે તે બધાને છોડીને નીકળી જાય છે, પણ ચાર્લી તેની સામે બધાનો ભૂતકાળ વર્ણવે છે. ચરણ ગ્રોવર એ માણસ છે જે અસંખ્ય નિર્દોષ લોકોને ફસાવીને અબજોપતિ બન્યો છે. એક તબક્કે ટીમને છોડવા તૈયાર થયેલી મોહિની હવે ટીમને સાથ આપવા તૈયાર થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી

નિર્માતાઃ શાહરુખ ખાન-ગૌરી ખાન

દિગ્દર્શકઃ ફરાહ ખાન

ગીતકારઃ ઇર્શાદ કામિલ

ગાયકઃ શાહરુખ ખાન, શ્રેયા ઘોષાલ, શંકર મહાદેવન્, કેકે, કનિકા કપૂર, વિશાલ દદલાણી વગેરે

સંગીતકારઃ વિશાલ દદલાણી-શેખર રવજીયાણી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter