ફિલ્મ ‘RRR’ના હિન્દી વર્ઝનમાં આલિયા ભટ્ટ બે ગીતો ગાશે

Monday 15th February 2021 05:26 EST
 
 

ફિલ્મ ‘બાહુબલી’થી પ્રખ્યાત ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘RRR’ને લઈને દર્શકો ભારે ઉત્સુક છે ત્યારે સમાચાર છે કે, અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આ ફિલ્મમાં બે ગીતો ગાશે. આ પહેલાં આલિયાએ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘હાઇવે' અને શશાંક ખૈતાનની ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં ગીત ગાયું હતું.
માત્ર હિન્દી વર્ઝન માટે ગાશે
બોલિવૂડમાં ચર્ચાય છે કે સાઉથ સુપર સ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ‘RRR’માં આલિયા એક ગીત અને એક આઈટમ સોંગને પોતાનો અવાજ આપી શકે છે. આલિયા આ ફિલ્મના માત્ર હિન્દી વર્ઝન માટે ગીત ગાશે. આ ફિલ્મ ૫ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિળ, મલયાલમ અને કન્નડમાં ૧૩મી ઓક્ટોબરે રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટે જ ૨૫મી જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કરીને ફિલ્મ રિલીઝની માહિતી આપી હતી. આલિયા ભટ્ટે પોસ્ટર શેર કરી લખ્યું હતું, RRR માટે તૈયાર થઇ જાઓ. ૧૩ ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.
આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર સિવાય અજય દેવગણ, શ્રિયા સરન પણ લીડ રોલમાં છે. ફિલ્મ ડીવીવી એન્ટરટેનમેન્ટ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ ૧૯૨૦ના દશકના ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. આ પહેલા આ મલ્ટિ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રિલીઝ થવાની હતી, પણ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ ટાળવામાં આવી હતી.
અહેવાલો છે કે, રામચરણ અને જુનિયર એનટીઆર હાલ ફિલ્મના ક્લાઈમેક્સ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છે. ‘બાહુબલી’ જેવી સુપરહિટ સિરીઝ બનાવનારા રાજામૌલીની આ ફિલ્મ રૂ. ૪૫૦ કરોડના બિગ બજેટમાં બની રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter