દિવાળીના સપરમા તહેવાર નિમિત્તે બોલિવૂડના સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો અને મેસેજ શેર કરીને ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી. કોઈએ પરિવાર સાથેની યાદગાર પળો શેર કરી હતી તો કોઈએ મીઠાઈ, દીવા અને ટ્રેડિશનલ આઉટફિટ સાથે તહેવારની ઉજવણીની ઝલક દર્શાવી હતી. કરીના કપૂરે દિવાળીની ઉજવણી દરમિયાન બહેન કરિશ્મા કપૂર અને માતા-પિતા રણધીર કપૂર તથા બબીતા કપૂર સાથેની તસવીર શેર કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, દિવાળી હોય કે અન્ય કોઈ પ્રસંગ, માતા-પિતાને પ્રેમ કરવો અને તેમની સાથે સમય વિતાવવો સૌથી મહત્ત્વનું છે. પ્રિયંકા ચોપરા જોનાસે પતિ નિક અને દીકરી માલતી મેરી સાથે દિવાળીની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. અમેરિકામાં રહેતી હોવા છતાં પ્રિયંકાએ ભારતીય તહેવારની પરંપરા જાળવી રાખી છે. સારા અલી ખાને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને ફેમિલીના અન્ય મેમ્બર્સ સાથેની તસવીરો શેર કરી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાથમાં મીઠાઈનું બોક્સ લઈને તસવીર શેર કરી હતી. ભૂમિ પેડણેકરે દીવાઓની થાળી સાથેની તસવીરો શેર કરી હતી. ‘કૌન બનેગા કરોડપતિ’માં બ્રેક વચ્ચે અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ હોવાની અટકળો ચાલી રહી હતી. આ વચ્ચે તેઓ દિવાળીની શુભેચ્છા પાઠવવા ફેન્સને મળ્યા હતા અને અટકળોનો સુખદ અંત આવ્યો હતો.


