ગાંધીનગરના આંગણે ‘ગિફ્ટ સિટી’માં યોજાનારા 70મા ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ રિલીઝ થઇ ગયું છે. સતત બીજા વર્ષે ગુજરાતના યજમાનપદે યોજાઇ રહેલા એવોર્ડ સમારંભના નોમિનેશન લિસ્ટમાં કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ બાજી મારી લીધી છે. ફિલ્મે લગભગ 22 કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું છે. તે પછી ‘સ્ત્રી-2’ અને ‘મેદાન’ ફિલ્મના નામે સૌથી વધુ નોમિનેશન ગયા છે. ફિલ્મફેરનું આયોજન 11 ઓક્ટોબરના રોજ થશે. એવોર્ડ સમારંભમાં વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મો, કલાકારો, દિગ્દર્શકો અને ટેક્નીશીયન્સને સન્માનિત કરવામાં આવશે. કરણ જોહર સમારંભના હોસ્ટ રહેશે. નોમિનેશન લિસ્ટ પર નજર નાખવામાં આવે તો શ્રેષ્ઠ ફિલ્મના એવોર્ડ માટે ‘આર્ટિકલ 370’, ‘ભૂલભૂલૈયા-3’, ‘કિલ’, ‘લાપતા લેડીઝ’ અને ‘સ્ત્રી-2’ ફિલ્મે નોમિનેટ કર્યું છે. શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડ માટે આદિત્ય સુહાસ જંભાલે (‘આર્ટિકલ 370’), અમકર કૌશિક (‘સ્ત્રી-2’), અનીસ બઝ્મી (‘ભૂલભૂલૈયા-3’), કિરણ રાવ (‘લાપતા લેડીઝ’) અને નિખિલ નાગેશ ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે.