સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ નિપોટિઝમ અને ડ્રગ સહિતના વિવાદોમાં સતત ઘેરાયેલા રહેલા ફિલ્મમેકર કરણ જોહરની તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પાછલા કેટલાક સમયથી વિવાદો અને તપાસનો સામનો કરી રહેલા કરણ જોહરે સમગ્ર ફિલ્મ જગત વતી ભવ્ય ભારતની ઝાંખી કરાવશે તેવું જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની પ્રેરણા ગણાવતા કરણ જોહરે જાહેર કર્યું છે કે, ભારતના ૭૫મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફિલ્મ જગત ભવ્ય ભારતની ઝાંખી કરાવશે. વડા પ્રધાન મોદીને પોતાની પ્રેરણા ગણાવતા કરણ જોહરે તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાજકુમાર હિરાણી ડિરેક્ટેડ સ્પેશિયલ ફિલ્મ અમે બનાવી હતી.
ફ્રિડમ મૂવમેન્ટના સ્પિરિટને સેલિબ્રેટ કરવા અમે સહુએ ભેગા થઈ કાર્યક્રમોનું આયોજન કર્યું અને આ વખતે અન્ય ઘણાં ક્રિએટિવ કન્ટ્રિબ્યુટર્સ પણ સામેલ થશે. ૭૫મા સ્વતંત્રતા દિવસે ભારતીય સંસ્કૃતિની સાથે તેના મૂલ્યો અને શૂરવીરતાને દર્શાવતી રજૂઆત કરાશે. ગત વર્ષે ઓક્ટોબરમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને મહાત્મા ગાંધીના જીવન તથા મૂલ્યો પર ફિલ્મ બનાવવાની ખાતરી આપી હતી. આ મુલાકાતમાં કરણ જોહર હાજર ન હતો, પરંતુ અગાઉ ૨૦૧૯માં યોજાયેલી બેઠકમાં કરણ જોહરે હાજરી આપી હતી. પાછલા એક વર્ષમાં બોલિવૂડ અને દેશની પરિસ્થિતિમાં ઘણાં ફેરફારો આવ્યાં છે. એનસીબીએ કરણ જોહરના પૂર્વ સાથીદાર ક્ષિતિજની ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે. એનસીબી દ્વારા આ મામલે કરણ જોહરની પૂછપરછ પણ થઈ હતી. જોકે પોતાની સંડોવણી હોવાનો કરણ જોહર ઈનકાર કર્યો હતો.