ફીફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહીનું પરફોર્મન્સ

Saturday 16th May 2026 05:31 EDT
 
 

ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું આગવું મહત્વ છે અને તેમાં કોણ પર્ફોર્મ કરશે તેના અંગે હંમેશા ઉત્સુકતા હોય છે. યાદીમાં આ વખતે નોરા ફતેહીનું નામ જોડાયું છે. ફૂટબોલ વર્લ્ડકપનો આ ભવ્ય કાર્યક્રમ 12 જૂને કેનેડાના ટોરોન્ટોમાં બીએમઓ ફીલ્ડ ખાતે યોજાશે. આ સાથે નોરાની આંતરરાષ્ટ્રીય સફરમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરાઈ છે. આ પર્ફોર્મન્સથી દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ જોવાતી રમત તથા મનોરંજન ક્ષેત્રમાં નોરાની હાજરી વધુ મજબૂત બની છે. નોરા ફતેહી આ ગ્લોબલ લાઇનઅપમાં એલેનિસ મોરિસેટ, એલેસિયા કારા, એલિયાન્ના, જેસી રેયેઝ, માઈકલ બુબ્લે, સંજય, વેજીડ્રીમ અને વિલિયમ પ્રિન્સ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે સ્ટેજ શેર કરશે.
બીજી તરફ, અમેરિકામાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં એનિટ્ટા, ફ્યુચર, કેટી પેરી, લિસા, રેમા અને ટાયલા જેવા ગ્લોબલ મ્યુઝિક આઇકોન્સ પણ જોવા મળશે. આ રીતે ફીફા વર્લ્ડ કપ 2026 મ્યુઝિક, કલ્ચર અને મનોરંજનનું વિશાળ આંતરરાષ્ટ્રીય મિશ્રણ બનવા જઈ રહ્યું છે. નોરાની હાજરી પુરવાર કરે છે કે તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી પરફોર્મર બની ગઈ છે, જે વિવિધ સંસ્કૃતિઓના દર્શકો સાથે સરળતાથી જોડાઈ શકે છે. નોરા અગાઉ 2022ના ફીફા વર્લ્ડ કપ સેલિબ્રેશન્સ દરમિયાન પણ યાદગાર પરફોર્મન્સ આપી ચૂકી છે. હવે તેની ફરીથી આ વૈશ્વિક મંચ પર વાપસી દર્શાવે છે કે સંગીત, ડાન્સ અને સ્ટેજ સ્પેક્ટેકલને જોડતી તેની સ્ટાઇલ માટે દુનિયાભરમાં માંગ વધી રહી છે. મહત્વની વાત એ છે કે નોરા માત્ર પરફોર્મર તરીકે નહીં પરંતુ, ગાયિકા તરીકે પણ જોવા મળશે. આ તેની બહુઆયામી વૈશ્વિક કલાકાર તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. નોરાએ વર્ષોથી ટી20 વર્લ્ડ કપ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો અને રમતગમત ઇવેન્ટ્સ સાથે મજબૂત જોડાણ બનાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter