અક્ષયકુમાર બોલિવૂડ ફિલ્મનો હિટ મશીન તરીકે ઓળખાય છે. અક્ષયની ફિલ્મો રિલીઝ પહેલાં જ સફળ રહેશે એવું મનાય છે. ૨૫ વરસની ફિલ્મી કારકિર્દી ધરાવતા મહેનતી આ સ્ટારને હવે માગેલું મહેનતાણું ચૂકવવા પણ નિર્માતા તૈયાર હોય છે. ફોર્બ્સના તાજા રિપોર્ટના અનુસાર બાવન વર્ષીય અભિનેતા એક માત્ર ભારતીય એકટર છે કે જેણે સોથી વધુ કમાતી સેલેબ્રિટીમાં બાવનમું સ્થાન મેળવ્યું છે. આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે અભિનેતાની વય પણ બાવન વર્ષ છે. અક્ષયની વાર્ષિક આવક ૪૫.૫ મિલિયન ડોલર હોવાથી તેને આ યાદીમાં બાવનમું સ્થાન મળ્યું છે.
આ યાદીમાં તેણે હોલિવૂડ કલાકારો વિલ સ્મિથ, જેનિફર લોપેઝ અને જાણીતી ગાયિકા રિહાનાને પણ પાછળ છોડી દીધાં છે. ફોર્બ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં અક્ષયે જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે તમારે સમયને અનુસાર સ્વયંમાં બદલાવ લાવવો પડે છે. આજે ફિલ્મોની વાર્તાઓ બદલાઇ ગઇ છે. દર્શકોની પસંદ બદલાઇ ગઈ છે ત્યાં સુધી કે મારા ચેકમાં રકમની પાછળ લાગનારા મીંડાની સંખ્યા પણ બદલાઇ ગઇ છે. સમય સાથે ચાલવું એ જ સફળતાનો મંત્ર છે. તેણે વધુમાં કહ્યું હતું કે, હું ફિલ્મોમાં ફક્ત પૈસા કમાવા માટે જ આવ્યો હતો. મારી કારકિર્દીની શરૂઆતમાં હું ફક્ત પૈસા માટે જ ફિલ્મો કરતો હતો, પરંતુ હવે હું મારી જાતને એક એકટર તરીકે સ્થાપિત કરી રહ્યો છું. ધીરે ધીરે હું જેમ સફળ થતો ગયો તેમ મારા મહેનતાણાની રકમની પાછળ ઝીરો ઉમેરાતા ગયા જે મારી મહેનતનું પરિણામ છે.
અક્ષય પાસે ફિલ્મો ઉપરાંત ઘણા વિજ્ઞાપનો દ્વારા રૂપિયા મેળવે છે તેમજ તે હવે વેબ સીરિઝમાં પણ દેખાવાનો છે. અક્ષય વરસમાં ત્રણ-ચાર ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે પોતાની અંગત તેમજ કારકિર્દીમાં બહુ જ નિયમિતતા જાળવે છે. સમયસર ઊઠવાથી લઇને રાતને સમયસર સૂઇ જવાના તમામ નિયમો પાળે છે. તેનું કહેવું છે કે વરસમાં ચાર ફિલ્મો કરવી એ મોટી વાત નથી. આ ઉપરાંત તે પરિવાર સાથે રવિવારની રજાનો આનંદ માણે છે. તેમજ દરેક વેકેશન અને તહેવારની ઊજવણી પણ કરે છે.