ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંની મહેમાનગતિ માણતા અનિલ કપૂર

Saturday 28th November 2026 05:14 EST
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગના પીઢ અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની મહેમાનગતિ માણી હતી. અનિલ કપૂરે આ યાદગાર મુલાકાતની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે કલા, સંસ્કૃતિ, સિનેમા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ઊર્જા અને આર્કિટેક્ચર જેવા મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.
અનિલ કપૂરે પોતાની પોસ્ટમાં રાષ્ટ્રપતિ મેક્રોંની ઉષ્માભરી મહેમાનગતિના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે, જ્યારે પોતે પહેલીવાર ભારતોમાં રાષ્ટ્રપતિ મેક્રોંને મળ્યા હતા, ત્યારે પણ તેમની વાતચીત એટલી સહજ હતી કે જાણે તેઓ વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. પેરિસમાં ફરી મળતાં તેમને એવો જ પોતીકો અનુભવ થયો.
આ મુલાકાત દરમિયાન અનિલ કપૂરે રાષ્ટ્રપતિની ઓફિસમાં નેપોલિયનના સમયની કેટલીક સુંદર ઐતિહાસિક વસ્તુઓ પણ નિહાળી હતી. તેમણે ઇતિહાસના બોધપાઠથી લઈને આવનારી પેઢીના ભવિષ્ય સુધીની આ ચર્ચાને ખૂબ જ માહિતીપ્રદ ગણાવી હતી.
અનિલ કપૂરે મેક્રોંને ‘માય ડિયર ઈમેન્યુઅલ...’ કહીને સંબોધ્યા હતા અને પેરિસમાં તેમને તથા તેમના ભત્રીજાને ઘર જેવો ઉષ્માપૂર્ણ અહેસાસ કરાવવા બદલ આભાર માન્યો. તેમણે પોતાની મિત્રતા પર ખુશી વ્યક્ત કરતા ભારતમાં રાષ્ટ્રપતિનું ફરીથી સ્વાગત કરવાની ઈચ્છા દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter