મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૂ. 60 કરોડના ફ્રોડ કેસમાં લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સેલિબ્રિટી દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હોવાથી શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ નોટિસ જારી કરી છે. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે લોન-કમ-રોકાણ સોદામાં આશરે રૂ. 60 કરોડની કથિત છેતરપિંડી મામલે 14 ઓગસ્ટે આ દંપતી સામે જૂહુ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો હતો. આ પછી તપાસ માટે આ કેસ આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરાયો હતો. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા તેમની હિલચાલ પર નજર રાખવા લૂકઆઉટ સકર્યુલર જારી કરાતો હોય છે. આ સર્ક્યુલર અંતર્ગત ઈમિગ્રેશન અને બોર્ડર કંટ્રોલ પોઇન્ટ્સને એલર્ટ જારી કરવામાં આવે છે. જૂહુના રહેવાસી 60 વર્ષીય ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આ ફરિયાદ નોંધાવી છે. કોઠારી લોટસ કેપિટલ ફાઇનાન્સ સર્વિસીસ નામની એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી)ના ડિરેક્ટર છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ રાજેશ આર્ય મારફત રાજ કુન્દ્રા અને તેની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીના સંપર્કમાં આવ્યા હતા. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બેસ્ટ ડીલ ટીવી નામની એક હોમ શોપિંગ એન્ડ ઓનલાઈન રિટેલ કંપનીના ડિરેક્ટર્સ હતાં. રાજેશ આર્ય મારફત બંનેએ રૂ. 75 કરોડની લોન માગી લીધી હતી, પરંતુ ઊંચા ટેક્સથી બચવા માટે તેઓએ તેને મૂડીરોકાણ તરીકે દર્શાવ્યું હતું. તેમણે માસિક વળતર સાથે મૂળ રકમ પરત ચૂકવવાનું વચન પણ આપ્યું હતું. એપ્રિલ 2016માં વ્યક્તિગત ગેરંટી આપવા છતાં શિલ્પા શેટ્ટીએ તે વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. આ પછી 2017માં તેમની કંપની સામે નાદારીની કાનૂની કાર્યવાહી ચાલુ થઈ હતી. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રા અગાઉ જ આ આરોપોને નકારી ચૂક્યા છે.