બહેરીનના વિખ્યાત રેપર ફ્લિપરાચીનું 2024માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં સમાવાયા બાદ દુનિયાભરમાં સુપરડુપર હિટ થઈ ગયું છે. ખાસ કરીને ફિલ્મમાં અક્ષય ખન્નાના આઇકોનિક એન્ટ્રી સીન દરમિયાન આ ગીત ઉપયોગમાં લેવાતાં જ વાયરલ થયું હતું. તેની એનર્જેટિક બીટ્સ અને આકર્ષક હુક સ્ટેપ્સના કારણે ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. હવે ‘FA9LA’ ગીતે એક સાથે સૌથી વધુ બિલબોર્ડ ચાર્ટ્સ પર ટોચનું સ્થાન મેળવવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં અરબ બિલબોર્ડ ટીમ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અરેબિયાએ રેપરને આ સિદ્ધિ અંગે સરપ્રાઇઝ આપી હતી. એક જ ગીત દ્વારા સૌથી વધુ બિલબોર્ડ ચાર્ટ્સ પર નંબર વન થવાનો રેકોર્ડ ફ્લિપરાચીના નામે નોંધાયો છે.
પહેલી જાન્યુઆરી સુધીમાં આ ગીત ચાર અલગ અલગ અરબી બિલબોર્ડ ચાર્ટ્સ પર ટોચ પર હતું. ફ્લિપરાચીએ ગીતની જ્વલંત સફળતા માટે ફિલ્મ ‘ધુરંધર’ને શ્રેય આપીને આભાર માન્યો છે. રેપરે જણાવ્યું હતું, ‘જ્યારે મેં પહેલી વખત સોશિયલ મીડિયા પર ગીતને ધમાકેદાર રીતે વાયરલ થતું જોયું ત્યારે હું ચોંકી ગયો હતો. અચાનક અમને ત્યાંથી ડીલ મળી અને તેમણે કહ્યું કે ફિલ્મના એક સીન માટે ‘FA9LA’ એકદમ પરફેક્ટ છે. આ ગીત એવા એક્ટરની એન્ટ્રી સીનમાં મૂકાયું, જે લગભગ દસ વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળ્યો. બસ, તેણે ગીત પર ડાન્સ કર્યોં અને Boo...m!’ આ સાથે જ તેણે એક તસવીર પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરી છે, જેમાં તે ગિનીસ બુકના સર્ટિફિકેટ સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ‘FA9LA’ આમ તો સૌપહેલાં મે 2024માં રિલીઝ થયું હતું, ‘ધુરંધર’માં સામેલ થયા બાદ તેને અસાધારણ લોકપ્રિયતા મળી. ગીતની સફળતા બાદ ફ્લિપરાચીએ પોતાની ઇન્ડિયા ટૂરની જાહેરાત પણ કરી છે, જે 14 માર્ચે બેંગલૂરુમાં યોજાનારા UN40 મ્યુઝિક ફેસ્ટિવલથી શરૂ થશે. ભારતમાં ગીતની સફળતાં જોતાં તેની ઇંડિયા ટૂર સફળ રહેશે તેમ મનાય છે.


