અમિતાભ બચ્ચનને ‘ડોન’ની ઓળખ આપનારી ફિલ્મ 1978માં રિલીઝ થઈ હતી. ડાયરેક્ટર ચંદ્રા બારોટે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના કેરેક્ટરને એટલું અસરકારક રીતે ઉપસાવ્યું હતું કે આજે દાયકાઓ બાદ પણ બોલિવૂડના ઓરિજિનલ ડોન તરીકે અમિતાભ બચ્ચનને ઓળખવામાં આવે છે. ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપનારા ચંદ્રા બારોટનું રવિવારે 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચંદ્રા બારોટનાં પત્ની દીપા બારોટે આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની ફેફ્સાંની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. નિધન પહેલા તેમને ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમિતાભ બચ્ચને આ ઘટના અંગે પોતાના બ્લોગમાં પ્રતિક્રિયા આપતાં રવિવારે લખ્યું હતુંઃ મારા પ્રિય મિત્ર અને ‘ડોન’ના ડાયરેક્ટર ચંદ્રા બારોટનું આજે સવારે નિધન થયું છે. આ ખોટનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે. અમે સાથે કામ કર્યું હતું, પરંતુ તેઓ અન્યથી વધારે પારિવારિક મિત્ર હતા... હું માત્ર પ્રાર્થના કરી શકુ છું.’ બારોટનો જન્મ અને ઉછેર ટાન્ઝાનિયામાં થયા હતા. બેંકમાં નોકરી દરમિયાન તેઓ ભારત આવ્યા અને મનોજ કુમારના માર્ગદર્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયા. ‘ડોન’ ઉપરાંત ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘યાદગાર’, ‘શોર’ અને ‘રોટી કપડા ઔર મકાન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
બારોટને ‘ડોન’ની સફળતાએ નવી ઓળખ આપી હતી. 1978માં ‘ડોન’ રિલીઝ થઈ ત્યારે પહેલા અઠવાડિયામાં ફ્લોપનું લેબલ લાગી ગયું હતું. જોકે આ પછી માઉથ પબ્લિસિટીના કારણે બીજા અઠવાડિયાથી ફિલ્મે ગતિ પકડી અને બ્લોકબસ્ટર સાબિત થઈ. અમિતાભ બચ્ચન સહિતના ફિલ્મ કલાકારો ઉપરાંત હાલ ‘ડોન 3’ બનાવી રહેલા ફરહાન અખ્તરે પણ ચંદ્રા બારોટને શ્રદ્ધાંજલિ આપી છે.