બિગ બીએ ભીની આંખે તાજી કરી જૂની યાદો...

Friday 10th December 2021 09:26 EST
 
 

મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’માં કામ કરવા માટે ફરજ પાડનારા સંજોગોને યાદ કર્યા ત્યારે તેમની આંખોમાં આંસુ છલકતા હતા. પ્રસંગ હતો વર્ષ ૨૦૦૦માં શરૂ થયેલા ‘કેબીસી’ના ૧૦૦૦મા એપિસોડનો. શુક્રવારે બ્રોડકાસ્ટ થયેલા આ એપિસોડમાં તેમણે સ્વીકાર્યું હતું કે ૯૦ના દશકામાં કપરા સમય દરમિયાન આ શોના કારણે આર્થિક રાહત થઈ હતી.
૧૦૦૦મા એપિસોડમાં તેમની સામે હોટ સીટ પર દીકરી શ્વેતા બચ્ચન-નંદા અને દોહિત્રી નવ્યા નવેલી નંદા હતાં. તો પત્ની જયા બચ્ચન વીડિયો લિંકથી જોડાયા હતા. ૧૦૦૦ એપિસોડ પૂરા કરતાં કેવું લાગે છે? તેવા શ્વેતાના જવાબમાં અમિતાભે જણાવ્યું હતું કે ૨૧ વર્ષ થઈ ગયા છે. તે સમયે મારી પાસે ફિલ્મોમાં કામ નહોતું, અને આ ટીવી શોની ઓફર આવી હતી. વર્ષ ૨૦૦૦માં મેં આની શરૂઆત કરી ત્યારે લોકો કહેતા હતા કે, ફિલ્મોમાંથી ટેલિવિઝનમાં જાવ છો. મોટા પડદા પરથી નાના પડદામાં જશો તો ઈમેજને નુકસાન થશે. જોકે, પહેલાં એપિસોડના બ્રોડકાસ્ટ બાદ જે પ્રકારના રિએક્શન આવ્યા તેને જોઈને આખી દુનિયા મળી ગઈ હોય તેવું લાગ્યું. શોમાં આવેલા દરેક કન્ટેસ્ટન્ટે મને કંઈક શીખવ્યું હોવાનું તેમણે કહ્યું હતું. આ પછી રજૂ થયેલા આ શોના ૨૧ વર્ષની યાદોના મોન્ટાજે તેમને અને જયાને ઈમોશનલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમણે પોતે જ સ્થાપેલા એબીસીએલ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ) નામના મોટા બિઝનેસ વેન્ચરમાં જંગી નુકસાન કર્યા બાદ ‘કેબીસી’ હોસ્ટ કર્યું હતું. ‘કેબીસી’ અને ‘મોહબ્બતે’ ફિલ્મમાં કરેલા રોલથી અમિતાભ બચ્ચને ધમાકેદાર કમબેક કર્યું હતું, અને આર્થિક સદ્ધરતા પણ વધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter