બિગ બીને ઉંમરની અસર વર્તાઇઃ જીવન હવે સરળ નથી રહ્યું

Wednesday 27th August 2025 08:44 EDT
 
 

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના જીવન અને અનુભવોની ઝલક પર્સનલ બ્લોગમાં આપતા રહે છે. તાજેતરના એક બ્લોગમાં બિગ બીએ વધતી ઉંમરની વાસ્તવિકતા અંગે વાત કરી છે. 82 વર્ષની ઉંમરે જીવન હવે પહેલા જેવું સરળ ન રહ્યું હોવાનું તેમનું કહેવું છે અને હવે દરેક રોજિંદા કામમાં વધારે કાળજી રાખવાની અને વિચાર કરવાની જરૂર પડતી હોવાનું કબૂલ્યું છે.
ઉંમરના આ પડાવને અભિવ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું છે કે, દિવસનો ઘટનાક્રમ પહેલેથી નક્કી જ થયેલો હોય છે. રોજિંદી દવાઓ અને જરૂરી કામ કરવાની સાથે પ્રાણાયમ, હળવા યોગ કરવાના હોય છે. ચાલતી વખતે સંતુલન રાખવા માટે પણ ઝઝૂમવું પડે છે. શરીર ક્રમશઃ સંતુલન ગુમાવી રહ્યું છે અને તેમાં સુધારો લાવવા કામ કરવું જરૂરી છે. થોડા વર્ષો અગાઉ જે રોજિંદા કામ સહજતાથી થઈ શકતા હતા, તે હવે અઘરા બની ગયા છે. અગાઉ સાવ સામાન્ય લાગતા કામ કરવા માટે પણ વિચાર કરવો પડે છે.
રોજિંદા જીવનમાં કાળજી રાખવા માટે ડોક્ટરે આપેલા સૂચનો અંગે વાત કરતાં બિગ બીએ કહ્યું હતું કે, ટ્રાઉઝર પહેરવા જેવા સરળ કામમાં પણ સાવચેતી રાખવી પડે છે. ડોક્ટરે ઊભા-ઊભા ટ્રાઉઝર પહેરવાના બદલે બેસીને આ કામ કરવા કહ્યું છે, જેથી સંતુલન ગુમાવીને પડી જવાની આશંકા ના રહે. શરૂઆતમાં તેમની સલાહ સાચી નહોતી લાગતી, પરંતુ બાદમાં મને સમજાયું કે તેમની વાત સાચી હતી. હવે તો ઘરમાં ચાલવા માટે પણ ટેકો લેવો પડે તેવી સ્થિતિ છે. ડેસ્ક પરથી પડેલો કાગળ ઉઠાવવા માટે સહેજ નમવાનું કામ પણ હિંમત માગ લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter