બિગ બીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સન્માન

Sunday 05th May 2024 12:38 EDT
 
 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટયગૃહમાં 24 એપ્રિલે આયોજિત એવોર્ડ ફંક્શનમાં અમિતાભ પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. અહીં બિગ બીને ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે સન્માનિત કરાયા હતા. મંગેશકર ભાઈ-બહેનોમાં ત્રીજાં સૌથી મોટા બહેન ગાયિકા ઉષા મંગેશકરે અમિતાભને આ સન્માન એનાયત કર્યું હતું.
આ પહેલા ગાયિકા આશા ભોંસલે અમિતાભને આ એવોર્ડ એનાયત કરવાના હતા પરંતુ તેમની ખરાબ તબિયતના કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. એવોર્ડ સમારોહમાં સંગીતકાર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને વિશેષ એવોર્ડ અપાયો હતો તો અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે અમિતાભે લતા મંગેશકરને માતા સરસ્વતી તરીકે યાદ કરતાં મરાઠી કવિતા પણ સંભળાવી હતી. બિગ બીએ કહ્યું હતું, ‘જ્યારે પણ હું લતાજીને મળ્યો કે જ્યારે પણ તેઓ મારા પરિવારને મળ્યા ત્યારે તેમનો પ્રેમ અને લાગણી કંઈક અલગ જ હતાં’. ઈવેન્ટમાં 1981નો પ્રસંગ યાદ કરતાં અમિતાભે કહ્યું કે લતાજીના કારણે જ તેમને ઈન્ટરનેશનલ શોમાં પરફોર્મ કરવાની તક મળી હતી. અભિનેતાએ જણાવ્યું કે ન્યૂ યોર્કમાં આયોજિત એક શોમાં લતાજીએ તેમને સ્ટેજ પર ફિલ્મ ‘લાવારિસ’નું ગીત ‘મેરે અંગને મેં...’ ગાવાની તક આપી હતી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં લતા મંગેશકરના નિધન બાદ પરિવાર અને ટ્રસ્ટે તેમની યાદમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરી છે. 2022માં, પ્રથમ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter