બી.આર. ચોપરાનો બંગલો રૂ. 183 કરોડમાં વેચાયો

Friday 24th June 2022 12:23 EDT
 
 

બોલિવુડના અત્યાર સુધીના ઈતિહાસના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓમાંના એક સ્વ. બી.આર. ચોપરાનો મુંબઈના જૂહુ ખાતેનો બંગલો રૂ. 183 કરોડમાં વેચાઈ ગયો છે. બી.આર.ના નિધનના 14 વર્ષ બાદ બંગલો વેચાયો છે. જુહુ - તારારોડ પર જાણીતી ફાઈવ સ્ટાર હોટેલની સામે 25 હજાર સ્કવેર ફિટ જગ્યામાં આ બંગલો છે. આ વિસ્તારમાં હાલ દર સ્કવેર ફીટનો 60થી 65 હજાર રૂપિયા ભાવ બોલાય છે. બંગલાના વેચાણખત માટે 11 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી ચુકવાયાનું જાણવા મળે છે. વક્ત, નયા દૌર, ધી બર્નિંગ ટ્રેન અને નિકાહ જેવી અનેક ફિલ્મોના સર્જક બી.આર. આ બંગલામાંથી ફિલ્મ નિર્માણને લગતી કામગીરીનું સંચાલન કરતા હતા. ભારતીય ટેલિવિઝન ઈતિહાસની સૌથી સફળ સિરિયલ મહાભારત પણ તેમણે અહીં જ બનાવી હતી. જોકે, ચોપરા પરિવારે બાદમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પ્રોડક્શન હાઉસની કેટલીય ફિલ્મો નિષ્ફળ ગઈ હતી. બી.આર. ચોપરાના પુત્ર રવિ ચોપરાએ લેણદારોના નાણાં ચુકવીને આ  બંગલા પર કોઈ કાનૂની બોજો ના આવે તે સુનિશ્ચિત કર્યું હતું. હવે રવિ ચોપરાનાં પત્ની રેણુ ચોપરાએ આ બંગલો એક ખાનગી ડેવલપરને વેચી દીધો છે. આ સમગ્ર વિસ્તાર ફિલ્મી સિતારાઓમાં હોટ ફેવરિટ છે. અનેક જાણીતા ફિલ્મ નિર્માતાઓ તથા કલાકારો આ વિસ્તારમાં પ્રોપર્ટી ધરાવે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter