અમિતાભ બચ્ચન તેમના ચાહકોના ભરપૂર પ્રેમ-આદર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા દાયકાઓથી એક પરંપરા નિભાવે છે. દર રવિવારે તેઓ જૂહૂ સ્થિત બંગલો ‘જલ્સા’માંથી બહાર આવે છે અને ચાહકોને ઝલક આપે છે. આ દરમિયાન ચાહકો તેમને નજીકથી જોઇ શકે છે અને ફોટોગ્રાફ-વીડિયો લઈ શકે છે. જોકે, તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જુહૂમાં અમિતાભ બચ્ચનના બંગલા નજીક જ ટાઈગર શ્રોફ ઉપર ગોળીબાર થયો હતો. એટલું જ નહીં, શૂટરોએ હુમલાના ઇરાદે બિગ-બીના બંગલાની પણ રેકી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. તે પછી ચેતી જઈને અમિતાભે પણ પોતાના માટે બુલેટપ્રૂફ એન્ક્લોઝર તૈયાર કરાવી લીધું છે. મિલેનિયમ મેગાસ્ટારને બુલેટપ્રૂફના કવચ પાછળથી જોઈને ચાહકોને પણ વસમું લાગ્યું હતું પરંતુ તાજેતરના બનાવો જોતાં તેમના માટે આમ કર્યા વગર છૂટકો નહોતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે રવિવારથી પુત્ર અભિષેક પણ પિતાની સાથે હાજર રહે છે અને બહાર જમા થતાં ટોળાં પર નજર રાખે છે. આ સમયે પોલીસ પણ અહીં પેટ્રોલિંગ વધારી દે છે.


