બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ 53 વર્ષની ઉમરે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે પોતાની લોંગ-ટાઈમ પાર્ટનર અને સાઉથ આફ્રિકન મોડેલ-ફેશન ડિઝાઈનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે સત્તાવાર રીતે લગ્ન કરી લીધા છે. આ કપલે ગોવાના બારદેઝ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને પોતાના મેરેજ રજિસ્ટર કરાવ્યા છે, જેની સાથે જ તેઓ હવે કાયદેસર રીતે પતિ-પત્ની બની ગયા છે.
અર્જુન અને ગેબ્રિએલા વર્ષ 2018થી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતાં હતાં. લગ્ન પહેલાં જ તેઓ પોતાની ફેમિલી શરૂ કરી ચૂક્યા હતા અને તેમને બે દીકરા - 7 વર્ષનો એરિક અને 3 વર્ષનો અરવ છે. હાલમાં જ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ દરમિયાન અર્જુને ખુલાસો કર્યો હતો કે તેઓએ સગાઈ કરી લીધી છે.
અર્જુન રામપાલના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન 1986ની ફેમિના મિસ ઈન્ડિયા અને મોડેલ મેહર જેસિયા સાથે થયા હતા. બન્ને મોડેલિંગ દરમિયાન મળ્યા હતા અને 1998 માં લગ્ન કર્યા હતા. આ સંબંધથી તેમને બે પુત્રીઓ છે. જોકે, 21 વર્ષ બાદ 2019માં તેઓ અલગ થઈ ગયા હતા.


