વિક્રાંત મેસીએ ફિલ્મોમાંથી બ્રેક લેવાને મુદ્દે આખરે પોતાની ખામોશી તોડી છે. ‘બારહવી ફેલ’ સહિતની સફળ ફિલ્મો આપ્યા પછી અચાનક બ્રેક લેવાની જાહેરાતે તેમના ચાહકોમાં ચર્ચાનો મુદ્દો ઉઠ્યો હતો. લોકોએ તેમના લાંબા ગાળાના બ્રેકના નિર્ણયને નિવૃત્તિ સમજી લીધો. સોશિયલ મીડિયા પર લોકો તેમણે નિવૃત્તિ લીધી હોવાની અટકળો માંડવા લાગ્યા હતા. જોકે વિક્રાંતે હવે લાંબા સમય બાદ સ્પષ્ટતા કરી છે. તેનું કહેવું છે કે માનસિક થાક અને વ્યસ્તતા તેમજ પરિવારથી લાંબો સમય દૂર રહેવું પડ્યું હોવાના કારણે તેણે બ્રેક લીધો છે. વિક્રાંતે કહ્યું કે સતત કામમાં વ્યસ્ત હોવાથી તે પોતાના પુત્રના જન્મ પછીનો લાંબો સમય પુત્ર સાથે ગાળી નહોતા શક્યા. માત્ર વીડિયોકોલ પર પુત્રને ચાલતાં અને પહેલી વાર વાત કરતાં જોવો એ તેના માટે પીડાદાયક ઘડીઓ હતી. આ પછી તેણે લાંબો બ્રેક લેવાનો નિર્ણય લઇ લીધો હતો. વિક્રાંતે કહ્યું કે ઈન્ડસ્ટ્રી અભિનેતાની મહેનત તો જુએ છે, પરંતુ તેના માનસિક ભારણને નજર અંદાજ કરે છે. એક જ વર્ષમાં ‘બારહવી ફેઇલ’, ‘સેક્ટર 36’ અને ‘ધ સાબરમતી રિપોર્ટ’ જેવી ફિલ્મોમાં ભજવેલા ગંભીર પાત્રો માનસપટલ પર બહુ મોટો બોજ છોડી જતી હોય છે.


