અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યુ ભારતીય સેલિબ્રિટીમાં સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકાએ અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાનને પણ આ મામલે પાછળ છોડી દીધા છે. ઓનલાઈન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપનીના અભ્યાસમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૦માં ઓગસ્ટથી ઓક્ટોબરના ક્વાર્ટરમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ નોંધાઈ છે. કંપનીએ સૌથી વધારે ટ્રેન્ડિંગ ફિલ્મ સ્ટાર્સનું ત્રિમાસિક વિશ્લેષણ રજૂ કર્યું છે. આ માટે કંપનીએ ઓગસ્ટથી ઓક્ટોબર ૨૦૨૦ સુધી ૨૬ ભારતીય ફિલ્મ સ્ટાર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હાજરી અને ડિજિટલ એંગેજમેન્ટનું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણમાં જણાયું કે, પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ ૨૬૫ કરોડ રૂપિયા છે. આ મામલે બીજા ક્રમે અક્ષય કુમાર (૨૬૦ કરોડ રૂપિયા), ત્રીજા નંબરે સલમાન ખાન (૨૫૨ કરોડ રૂપિયા), ચોથા નંબરે દીપિકા પદુકોણ (૨૧૧ કરોડ રૂપિયા) અને પાંચમા ક્રમે શાહરૂખ ખાન (૨૦૯ કરોડ રૂપિયા) છે.
બીજી તરફ સોશિયલ મીડિયા એંગેજમેન્ટમાં સલમાન ખાન ૨.૨૫ લાખ એંગેજમેન્ટ સાથે પ્રથમ નંબરે, શાહરૂખ ખાન ૨.૧૬ એંગેજમેન્ટ સાથે બીજા ક્રમે, ત્રીજા નંબરે અક્ષય કુમાર ૧.૭ લાખ એંગેજમેન્ટ સાથે, ચોથા નંબરે ૬૪૦૦૦ એંગેજમેન્ટ સાથે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન ૬૨૦૦૦ એંગેજમેન્ટ સાથે પાંચમા ક્રમે છે. પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘વ્હાઈટ ટાઈગર’માં જોવા મળશે. આ ફિલ્મમાં પીસી સાથે રાજકુમાર રાવ હશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૧માં રિલીઝ થશે.