બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ બાદ નેટફિલક્સ દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર પાછું ખેંચી લેવાયું છે. આ ઉપરાંત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મને લગતી તમામ પ્રચારસામગ્રી પણ પાછી ખેંચી લેવાઈ છે. જોકે, આ ફિલ્મનાં ટાઈટલ અંગેનો વિવાદ શમવાનું નામ લેતો નથી. ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મ સામે પોલીસ ફરિયાદ થઈ છે. ઉત્તર પ્રદેશના સાધુસંતોએ પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. નેટફિલક્સ દ્વારા આ ફિલ્મની જાહેરાત થતાં જ દેશભરમાં ભારે વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ફિલ્મનાં બહિષ્કારનું એલાન આપ્યું છે. અનેક સંગઠનોએ ફિલ્મસર્જકો તથા નેટફ્લિક્સ પ્લેટફોર્મને કોર્ટમાં ઘસડી જવાની ચીમકી આપી છે. દિલ્હી હાઈકોર્ટમાં તો એક અરજી પણ ઓલરેડી ફાઈલ પણ થઈ ગઈ છે. દિલ્હી હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવાયું છે કે ‘ઘૂસખોર પંડિત’ ટાઈટલ જાણે કે સમગ્ર બ્રાહ્મણ સમુદાય ભ્રષ્ટ હોય તેવી છાપ ઉપસાવે છે. બ્રાહ્મણ સમુદાયનું આ ઘોર અપમાન છે. બંધારણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ સાથે સાથે એમ પણ જણાવાયું છે કે કોઈને પણ કોઈ વ્યક્તિવિશેષ કે વર્ગ સમુદાય માટે નફરત ફેલાવવાનો કે તેમની અવમાનના કરવાનો હક્ક નથી. આ મૂળભૂત બંધારણીય અધિકારોનાં રક્ષણ માટે આ ફિલ્મની રીલિઝ અટકાવી દેવાનો આદેશ ઓટીટ પ્લેટફોર્મ નેટફિલક્સને આપવામાં આવે તેવી રજૂઆત અરજીમાં કરાઇ છે. દેશવ્યાપી રોષનું વાતાવરણ જોતાં ફિલ્મસર્જક નીરજ પાંડે તથા કલાકાર મનોજ વાજપેયી બચાવમાં ઉતર્યા હતા. નીરજ પાંડેએ કહ્યું હતું કે આ એક કાલ્પનિક કથા છે. તેમાં કોઈ જાતિ, સમુદાય કે વર્ગને ટાર્ગેટ કરાયા નથી. ‘પંડિત’ શબ્દનો ઉપયોગ ફક્ત એક સંબોધન તરીકે કરાયો છે. મનોજ વાજપેયીએ પણ સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મ દ્વારા કોઈ વર્ગની લાગણી દુભાવવાનો હેતુ નથી.


