ભારતના પહેલા હોલીવૂડ સ્ટાર સાબૂ દસ્તગીર પર બાયોપિક બની રહી છે. તાજેતરમાં દીપિકા પદુકોણને હોલીવૂડ વોક ઓફ ફેમમાં સ્થાન મળ્યું ત્યારે સાબૂ દસ્તગીરનું નામ પણ સમાચારોમાં ચમક્યું હતું કારણ કે આ સન્માન મેળવનારા તેઓ પહેલા ભારતીય હતા. રસપ્રદ વાત એ છે કે સાબૂ મહેબૂબ ખાનની ‘મધર ઈન્ડિયા’માં બિરજુની ભૂમિકા માટે પહેલી પસંદગી હતા, પરંતુ વર્ક વિઝા નહિ મળવાને કારણે તેમણે આ ફિલ્મ ગુમાવી હતી.
સાબૂની જીવનકથા બહુ રસપ્રદ છે. તેમના પિતા મૈસુરના મહારાજના હાથીઓના મહાવત હતા. આથી તેમનું બાળપણ મૈસુરના જંગલોમાં આ હાથીઓ વચ્ચે જ પસાર થયું હતું. 1934માં અમેરિકી ફિલ્મ નિર્માતા રોબર્ટ ફલેહંટી ‘એલિફન્ટ બોય’ નામની ફિલ્મના કલાકારની શોધ માટે ભારત આવ્યા હતા. ત્યારે તેમનો મેળાપ ત્યારે 13 વર્ષના ટીનેજર સાબૂ સાથે થયો હતો.
1937માં આ ફિલ્મ રીલિઝ થયા બાદ સાબૂને હોલીવૂડમાં લોકપ્રિયતા મળી અને તે પછી તેમણે ‘ધી ડ્રમ’, ‘ધી થીફ ઓફ બગદાદ‘, ‘જંગલબૂક’, ‘અરેબિયન નાઈટ્સ‘, ‘કોબરા વુમન’ સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. સાબૂએ દ્વિતિય વિશ્વ યુદ્ધમાં અમેરિકી એરફોર્સમાં જોડાયા હતા અને ગનર તરીકે ફરજ પણ બજાવી હતી.
દેબલીના મજુમદારનાં પુસ્તક ‘સાબૂઃ ધી રિમાર્કેબલ સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ ફર્સ્ટ હોલીવૂડ સ્ટાર'ના ફિલ્મ અને ટેલિવિઝન રાઈટ્સ ઓલમાઈટી મોશન પિકચર્સ નામની કંપનીએ ખરીદી લીધા છે.