ભારતનાં પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાનું નિધન

Friday 23rd October 2020 09:40 EDT
 
 

ઓસ્કાર એવોર્ડ સૌ પ્રથમ ભારત માટે જીતનાર કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાનું ૧૫મી ઓક્ટોબરે મુંબઈમાં ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘ગાંધી’ના કસ્ચ્યુમ ભાનુદેવીએ ડિઝાઈન કર્યાં હતાં. એ માટે તેમને એકેડમી એવોર્ડ-ઓસ્કાર મળ્યો હતો. ભાનુને આ ઓસ્કાર સાથી બ્રિટિશ ડિઝાઈનર જોન મેલો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. બંને એ મળીને ગાંધી ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યાં હતાં.
ભાનુનાં દીકરી રાધિકા ગુપ્તાએ કહ્યું કે, વહેલી સવારે ભાનુનું ઊંઘમાં જ નિધન થયું હતું. ભાનુ અથૈયા આઠેક વર્ષથી કેન્સરથી પીડાતાં હતાં. તેમને મગજનું કેન્સર (બ્રેઈન ટ્યૂમર) થયું હતું. એમાં પણ છેલ્લા ૩ વર્ષથી તો તેઓ પથારીવશ હતા કેમ કે તેમને પેરેલિસિસનો એટેક આવ્યો હતો. તેમને પેરેલિસિસનો એટેક આવ્યો એ પહેલાં સુધી તેઓ ફિલ્મ ક્ષેત્રે કાર્યરત હતા. ૧૦૦થી વધારે ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઈન કરનાર ભાનુ અથૈયાએ છેલ્લે ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘સ્વદેશ’ માટે કામ કર્યું હતું.
વર્ષ ૧૯૨૯માં કોલ્હાપુરમાં જન્મેલા ભાનુદેવીએ ૧૯૫૬માં ગુરુદત્તની સુપરહિટ ફિલ્મ ‘સીઆઈડી’થી કરિયરની શરૂઆત કરી હતી. અંગ્રેજી નિર્માતા રિચર્ડ એટનબરોએ મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે વસ્ત્ર-પરિધાન માટે ભાનુ અથૈયાની પસંદગી કરી હતી. આ ફિલ્મને કુલ આઠ ઓસ્કાર મળ્યા હતા. એમાંથી એક ઓસ્કાર કોસ્ચ્યુમ માટે પણ અથૈયાને મળ્યો હતો.
ઓસ્કાર વિજેતા સ્પીચમાં તેમણે કહ્યું હતું કે, એકેડમીએ ભારત તરફ નજર કરી અને ભારતીય કળાની કદર કરી એ બદલ હું તેમની આભારી છું. પોતાના પરિવારમાં કોઈ ઓસ્કાર એવોર્ડની ટ્રોફી સાચવી શકે એમ ન હોવાથી ટ્રોફી તેમણે ૨૦૧૨માં એકેડેમીને પરત મોકલી આપી હતી.
બોલિવૂડની અભિનેત્રીઓનાં કેટલાક યાદગાર લૂક તેમણે તૈયાર કર્યાં હતાં. જેમકે ‘ગાઈડ’નાં વહિદા રહેમાનનું કે પછી ‘આમ્રપાલી’ માટે વૈજયંતી માલાનું કે પછી ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે ઝીનત અમાનનું...
કેટલીક નોંધપાત્ર ફિલ્મો
• કાગજ કે ફૂલ (૧૯૫૯) • ચૌદવી કા ચાંદ (૧૯૬૦) • ગાઈડ (૧૯૬૫) • આમ્રપાલી (૧૯૬૬)
• હેરાફેરી (૧૯૭૬) • સુહાગ (૧૯૭૯) • ગાંધી (૧૯૮૨) • રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫)
• અજૂબા (૧૯૯૧) • ૧૯૪૨- અ લવ સ્ટોરી (૧૯૯૩) • લગાન (૨૦૦૧) • સ્વદેશ (૨૦૦૪)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter