ભારતની પ્રતિષ્ઠાને કલંક લગાડતા નિવેદનથી વીર દાસ વિવાદમાં

Friday 26th November 2021 06:37 EST
 
 

કોમેડિયન વીર દાસ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયા’ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે તેમનો બચાવ કર્યો છે, તો ભાજપે તેમના પર દેશનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. યુએસ પ્રવાસે ગયેલા દાસે યુટ્યુબ પર ‘આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયા’ નામનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે તેની તાજેતરના કાર્યક્રમનો ભાગ હતો, જેમાં તેમણે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિના મામલે દેશની પ્રતિષ્ઠાને ખરડે તેવી બહુ જ નિમ્ન સ્તરની કોમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે ભારતમાં દિવસે નારીશક્તિની પૂજા થાય છે અને રાત્રે ગેંગરેપ થાય છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આ મામલે કલાકારનો બચાવ કરતા લખ્યું હતું કે, ‘વીર દાસ – કોઈને શંકા નથી કે બે ભારત છે. અમે નથી ઈચ્છતા કે કોઈ ભારતીય તેના વિશે દુનિયાને જણાવે. અમે અસહિષ્ણુ અને દંભી છીએ.’ બીજી તરફ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું, ‘વીર દાસ, પરિસ્થિતિ જણાવતા રહો. મને તારા પર ગર્વ છે.’

વીર દાસે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને કહ્યું છે કે તેમનો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહોતો પરંતુ ઈરાદો તે યાદ અપાવવાનો હતો કે દેશ પોતાના તમામ મુદ્દા અને સમસ્યા છતાં મહાન છે. તેણે કહ્યું હતું કે હું વીડિયોમાં એક જ વિષય વિશે બે અલગ વિચાર રાખનારા લોકો વિશે વાત કરી રહ્યો હતો અને તેમાં એવું કોઇ રહસ્ય નથી કે જેને લોકો જાણતા ન હોય. વીર દાસે આગળ કહ્યું કે લોકો ભારત તરફ આશાભરી નજરે જુએ છે, ઈજ્જત આપે છે. મને મારા દેશ પર ગર્વ છે. અને હું તે ગર્વ સાથે જીવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter