ઓસ્કર માટે ભારત તરફથી મોકલાયેલી સત્તાવાર ફિલ્મ હોમબાઉન્ડ ભારતની આશાઓને જાળવી રહી છે કેમ કે આ ફિલ્મ અકાદમી પુરસ્કારોમાં આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મ શ્રીણીમાં આગામી તબક્કાના મતદાનમાં પહોંચી ગઇ છે. ઓસ્કર તરફથી જાહેરાત કરાઇ છે કે આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મ શ્રેણીમાં દુનિયાભરની 15 ફિલ્મો વોટિંગના આગામી તબક્કામાં પહોંચી ગઇ છે. તેમાં ભારતની હોમબાઉન્ડ ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, જોર્ડન, નોર્વે, પેલેસ્ટાઈન, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વિટઝરલેન્ડ, તાઇવાન અને ટ્યૂનિશિયાની ફિલ્મોનો સમાવેશ થાય છે. હોમબાઉન્ડ ઉપરાંત પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાં બેલેન, પી સિક્રેટ એજન્ટ, ઇંટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ, સાઉન્ડ ઓફ ફોલિંગ, પી પ્રેસિડેન્ટ કેક, કોકુહો, ઓલ પેટ લેફ્ટ ઓફ યુ, સેન્ટિમેન્ટલ વેલ્યુ, પેલેસ્ટાઈન, નો અધર ચોઇસ, સિરાત, લેટ શિફ્ટ, લેફ્ટ હેન્ડેડ ગર્લ તથા ધ વોઇસ ઓફ હિન્દ રજબનો સમાવેશ કરાયો છે. અકાદમી એવોર્ડે પોતાના સત્તાવાર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી. અંતિમ નોમિનેશનની જાહેરાત ગુરુવારે 22 જાન્યુઆરીના રોજ કરાશે.
અન્ય ફિલ્મો ખાનગી એન્ટ્રીની કેટેગરીમાં
હોમબાઉન્ડ ફિલ્મ ઓસ્કરની હોડમાં ભારતનું સતાવાર પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત કાંતારા ચેપ્ટર વન તથા તન્વી ધી ગ્રેટ ખાનગી એન્ટ્રી તરીકે ઓસ્કરની હોડમાં સામેલ થવા લાયક ઠરી છે. આ ઉપરાંત એક બ્રિટિશ પ્રોડક્શન કંપનીએ બનાવેલી અને રાધિકા આપ્ટેની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘સિસ્ટર્સ મીડનાઈટ’ પણ આ હોડમાં સામેલ થવાને પાત્ર ઠરી છે.
વિશ્વભરમાંથી ઓસ્કરમાં એન્ટ્રીનાં ધારાધોરણોની પૂર્તિ કરતી હોય તેવી 201 ફિલ્મોની યાદી પ્રગટ કરાઈ છે. આ ધારાધોરણોમાં અમેરિકાનાં નિશ્ચિત શહેરોનાં થિયેટરોમાં ચોક્કસ મુદ્દત માટે ફિલ્મ શો સહિતની શરતોનો સમાવેશ થાય છે. કાંતારા ચેપ્ટર વનમાં ઋષભ શેટ્ટી તથા ઋક્મણિ વસંતની મુખ્ય ભૂમિકા છે. જ્યારે તન્વી ધી ગ્રેટમાં શુભાંગી અને અનુપમ ખેર સહિતના કલાકારો છે. બીજી તરફ ઓસ્કર માટે મોકલાઈ હોય તેવી જનરલ એન્ટ્રી લિસ્ટમાં સામેલ ફિલ્મોમાં ભારતની મરાઠી ‘દશાવતાર’, તમિલ ‘ગેવી’, ડોક્યુ ડ્રામા ‘મહામંત્ર’, ‘પારોઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બ્રાઈડ સ્લેવરી’, ‘હ્યુમન્સ ઈન ધ લૂપ’, ભારત અને ન્યુ ગિનિયાનાં જોઈન્ટ પ્રોડક્શનની ‘પાપા બુકા’ સહિતની ફિલ્મો સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્કરનાં આખરી નોમિનેશન્સ 22 જાન્યુઆરીએ જાહેર કરાશે.


