ફિલ્મ સ્ટાર કમલ હસનના નિવેદનથી દક્ષિણ ભારતમાં શરૂ થયેલો ભાષાવિવાદ શમવાના કોઇ સંકેત નથી. કન્ન્ડ ભાષાનો જન્મ તમિલ ભાષામાંથી થયો છે તેવા નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ ઠારવા કર્ણાટકા હાઇ કોર્ટે સુચવ્યું હતું કે કમલ હસન નિવેદન પાછું ખેંચીને માફી માગી લે એટલે વાત પૂરી થાય. આના જવાબમાં કમલ હસને કહ્યું છે કે તેઓ પોતાની આવનારી ફિલ્મ ‘ઠગ લાઇફ’ હાલ પૂરતી કર્ણાટકમાં રિલીઝ કરશે નહીં. તેમજ આ મામલે માફી માગવા પણ તૈયાર નથી.
કમલ હસને ફિલ્મ ‘ઠગ લાઇફ’ના એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું, ‘કન્નડા ભાષાનો જન્મ તમિલ ભાષામાંથી થયો હતો’. આ પછી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને કર્ણાટકમાં તેમની ફિલ્મને રિલીઝ નહીં થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી. કર્ણાટક હાઇ કોર્ટે પણ તેમના આ નિવેદનને વખોડતા કહ્યું હતું કે તે ભલે એક મોટા સ્ટાર હોય પરંતુ તેમને કર્ણાટકના લોકોની લાગણીઓને દુભાવવાનો કોઈ અધિકાર નથી. કોર્ટને લાગ્યું હતું કે માત્ર એક સરળ માફી આ મુદ્દાને હળવો કરી શકે છે. જોકે કમલ હસનના વકીલ ચિનપ્પાએ કોર્ટને કહ્યું હતું કે જ્યાં સુધી તેમના અસીલ (કમલ હસન) અને તેમની પ્રોડક્શન કંપની રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ કર્ણાટકા ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (કેએફસીસી) સાથે વાતચીત ન કરે ત્યાં સુધી તેઓ કર્ણાટકમાં તેમની ફિલ્મની રિલીઝ મુલતવી રાખશે. કમલ હસને એક લેખિત નિવેદનમાં કન્નડા ભાષા અને તેનાં લોકો પ્રત્યે પોતાના પ્રેમ અને સન્માનની વાત કરી હતી. આમાં કોઇને નીચા બતાવવાનો ભાવ નહોતો.