મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન સરકારી સાક્ષી બનવા તૈયાર

Wednesday 22nd April 2026 08:43 EDT
 
 

મહાઠગ સુકેશ ચન્દ્રશેખરના 200 કરોડ રૂપિયાના બહુચર્ચિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે પતિયાલા કોર્ટમાં ચાલતી કાર્યવાહી દરમ્યાન સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે જવાબમાં જેક્લિનને કહ્યું હતું કે આ માટે તેણે વિધિસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ અરજી કરવી પડશે.
જેક્લિન ફર્નાન્ડિઝે આ કેસમાં સરકારી સાક્ષી બનવાની તૈયારી દર્શાવી હોવાની વાતને તેના વકીલે પણ સમર્થન આપ્યું હતું. નિયમ અનુસાર પહેલાં ઇડી તેનું નિવેદન નોંધશે. એ પછી ઇડી નક્કી કરશે કે તેને સરકારી સાક્ષી બનાવવા માટે અદાલતમાં અરજી કરવી કે કેમ. નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જેક્લિન સામે ચાલી રહેલી તપાસની કાર્યવાહીને રદ કરવાની ના પાડી દીધી હતી.

જેક્લિન અને સુકેશનું નામ એકમેક સાથે લાંબા સમયથી જોડાયેલું છે. 200 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો કેસ થયો તે પહેલાં તેમની તસવીરો બહુ વાઇરલ થઇ હતી. જેમાં બંને વચ્ચે ઘનિષ્ઠ સબંધો હોવાનું જણાતું હતું. જ્યારે સુકેશ પર ઠગાઇ કરી નાણાં કમાવાનો આરોપ મુકાયો ત્યારથી જેક્લિન પર પણ કાનુની સંકજો કસાવાનો શરૂ થયો હતો. ઇડીના જણાવ્યા અનુસાર સુકેશે જેક્લિનને જે મોંઘીદાટ ભેટો આપી હતી તે આ ગેરકાયદે કમાણીમાંથી ખરીદાઇ હતી. બીજી તરફ જેક્લિનનું કહેવું છે કે તેને સુકેશની અસલી ઓળખ અને તેના ગુનાઓની જાણ નહોતી. તે પોતે આ કેસમાં પોતાને પિડિત માને છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે અને હવે જેક્લિને તેમાં સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મની લોન્ડરિંગના આ જ કેસમાં સુકેશ 2017થી જેલમાં બંધ છે અને તેણે જેલમાં રહ્યે રહ્યે પણ જેક્લિનને લવ લેટર્સ લખ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter