હિંદી અને મરાઠી ફિલ્મોના અગ્રણી અભિનેતા રવિ પટવર્ધનનું રવિવારે મુંબઇ ખાતે ૮૪ વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું છે. તેમને શનિવારે શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં તેમની સ્થિતી વધુ વણસી હતી. ગયા માર્ચ મહિનામાં પણ તેમને હાર્ટએટેક આવ્યો હતો. ૧૯૭૦ના દાયકાથી તેઓ મરાઠી ફિલ્મોમાં અને ટીવી પર ખૂબ લોકપ્રિય હતા. તેઓ ચરિત્ર અભિનેતા તરીકે ફિલ્મ અને ટીવીના પરદે ન્યાયાધીશ, વકીલ, પોલીસ કે પરિવારના વડાની ભૂમિકા અદા કરતા રહેતા હતા. તેમની જાણીતી મરાઠી ફિલ્મોમાં ઉંબરથા, મફિચા, મફિચા સાક્ષીદાર સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. તાજેતરમાં વર્ષ ૨૦૧૯માં પ્રસારિત મરાઠી ટીવી સિરીઝ અગાબાઇ સાસુબાઇ ટીવી શ્રેણીમાં પણ તેમણે ભૂમિકા અદા કરી હતી.