ભારતીય ફિલ્મ ઇતિહાસમાં પોતાની પ્રતિભા અને અવિરત મહેનત દ્વારા સુવર્ણ ધોરણો સ્થાપિત કરનાર મલયાલમ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલને વર્ષ 2023ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે. મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુના હસ્તે તેમને આ સન્માન એનાયત થયું હતું.
આ પ્રસંગે શાહરુખ ખાન, વિધુ વિનોદ ચોપરા, કરણ જોહર, વિક્રાંત મેસી, જાનકી બોડીવાલા સહિત વિવિધ હસ્તીને નેશનલ એવોર્ડ વડે સન્માનિત કરાઇ હતી.
65 વર્ષના મોહનલાલને અભિનંદન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે તેઓ મલયાલમ સિનેમા અને નાટયજગતના ઉત્તમ અભિનેતા અને પથદર્શક છે અને તેઓ કેરળની સંસ્કૃતિ સાથે ઊંડો લગાવ ધરાવે છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવનાર મોહનલાલની તેજસ્વિતા અને સિદ્ધિઓ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાદાયક છે. મોહનલાલે ચાર દાયકાની 400 કરતાં વધારે ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તેમનું પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.