મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બાદ ઐશ્વર્યા - આરાધ્યા પણ કોરોના પોઝિટિવ

Monday 13th July 2020 06:01 EDT
 
 

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા હોવાની જાણકારી ૧૧મી જુલાઈએ સાંજે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ કોરોના ટેસ્ટ કરાવે એવી સલાહ છે. અમિતાભ બચ્ચનના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર બાદ તુરંત અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. એ પછી જાણવા મળ્યું હતું કે આ સ્ટાર પરિવારમાં ઐશ્ચર્યા રાય બચ્ચન અને અભિષેકની પુત્રી આરાધ્યા પણ કોરોના સંક્રમિત છે. બચ્ચન પરિવારમાં ફક્ત જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભની દીકરી શ્વેતા નંદા અને તેમના બે બાળકો અગસ્ત્ય તથા નવ્યા નવેલીના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે જયા બચ્ચનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
અમિતાભ અને અભિષેક બચ્ચન સારવાર માટે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં છે અને ઐશ્વર્યા અને આરાધ્યા હોમ ક્વોરેન્ટાઇન થયાં છે. બચ્ચન પરિવારમાં કોરોના દેખાયા પછી મહાપાલિકા દ્વારા તેમનાં નિવાસસ્થાનો સહિતની જગ્યાઓને સેનેટાઈઝ કરીને નોટિસ લગાવી હતી.
નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે જણાવ્યું છે કે, ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચનની સ્થિતિ સ્થિર છે. તેમને કોરોનાના હળવા લક્ષણ જણાતાં આઇસોલેશન યુનિટમાં સારવાર અપાઇ રહી છે. તેમનામાં કોરોનાનાં હળવા લક્ષણ છે અને તેમના શરીરના તમામ અંગો સારી રીતે કામ કરી રહ્યાં છે. સામાન્ય રીતે ૧૦-૧૨મા દિવસે શરીરમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ પહોંચે છે. અમિતાભ બચ્ચનમાં પાંચ દિવસથી કોરોનાનાં લક્ષણ સામે આવ્યાં હતાં. આગામી ૭ દિવસ સુધી અમારી તેમના પર ચાંપતી નજર રાખવી પડશે. અભિષેક બચ્ચનની સ્થિતિ પણ સ્થિર છે.
અનુપમ ખેરનો પરિવાર પણ કોરોના સંક્રમિત
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી સમાચાર આવ્યા કે અનુપમ ખેરના પરિવારમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. અનુપમે જણાવ્યું છે કે, તેમની માતા, ભાઇ સહિત પરિવારનાં ચાર સભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત છે.
અનુપમ ખેરે ટ્વિટ અને વીડિયો શેર કરીને જણાવ્યું કે, અમે દરેકને જણાવવા માગીએ છીએ કે મારી માતા દુલારીનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તેઓ થોડાં સમયથી બીમાર રહેતાં હતાં અને જોકે તેઓને માઇલ્ડ કોરોના છે. તેઓને કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. આ સાથે મારા ભાઇ, ભાભી અને ભત્રીજીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નગર પાલિકાએ અનુપમ ખેરના માતા અને ભાઇનો પરિવાર રહે છે તે બંગલાને સેનેટાઇઝ કરીને સીલ કર્યો છે અને નોટિસ લગાડવામાં આવી છે.
રણબીર, તેની માતા નીતુ કપૂર અને કરણ જોહર કોરોના પોઝિટિવ હોવાની અફવા
બચ્ચન પરિવારમાં કોરોના સંક્રમણ હોવાના સમાચાર સાથે જ કોઈક ટ્વિટર યુઝર અમિત વશિષ્ઠે રણવીર કપૂર, તેની માતા નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર, ફિલ્મમેકર કરણ જોહર અને અમિતાભ બચ્ચનનો પૌત્ર કોરોના પોઝિટિવ હોવાની ટ્વિટ કરી હતી. આ ખબરને ફેક જણાવતાં રિદ્ધિમાએ યુઝરના સ્કિનશોટ સાથે જણાવ્યું હતું કે, આ ધ્યાન ખેંચવા સિવાય કંઈ નથી. પહેલા તપાસ કરો અને સત્ય જાણો. અમે સ્વસ્થ છીએ. અફવા ફેલાવવાની બંધ કરો. યુઝરે લખ્યું હતું કે, કન્ફર્મ્ડ રણવીર કપૂર, નીતુ કપૂર, કરણ જોહર પણ કોવિડ-૧૯ પોઝિટિવ છે. શ્વેતા બચ્ચન નંદાના પુત્ર અગસ્ત્ય નંદાએ પણ રિદ્ધિમા કપૂરે હોસ્ટ કરેલી બર્થ ડે અટેન્ડ કરી હતી અને આ સૌને કોરોના છે. આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી હતી, પરંતુ રિદ્ધિમાએ આ ખબરને અફવા ગણાવી દીધી છે.
રેખાનો બંગલો પણ સીલ
અહેવાલો અનુસાર અભિનેત્રી રેખાનો બંગલો પણ તાજેતરમાં કોરોનાની નોટિસ સાથે સીલ કરાયો છે. રેખાના બંગલાના બે સિક્યોરિટી ગાર્ડના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં BMCએ રેખાનો બંગલો સીલ કર્યા હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter