ફરી એક વાર ફિલ્મ-ટીવી જગતમાંથી દુ:ખદ સમાચાર આવ્યા છે. ‘મહાભારત’ સિરિયલમાં ‘શકુની મામા’નો રોલ કરીને દર્શકોના દિલો પર છવાઇ ગયેલા અભિનેતા ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયું છે. સોમવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા, જેમાં ફિલ્મ જગતના જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી. તેમના નિધનના સમાચાર સુરેન્દ્ર પાલે આપ્યા હતા. ગૂફી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હૃદય અને કિડનીની બીમારીને કારણે હોસ્પિટલમાં એડમિટ હતા. ગૂફી પેન્ટલે આમ તો ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું, પરંતુ ‘શકુની મામા’ની ભૂમિકાથી આગવી ઓળખ મેળવી હતી.
બી.આર. ચોપરાની પ્રખ્યાત ઐતિહાસિક સિરિયલ ‘મહાભારત’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સિરિયલના દરેક પાત્ર ચાહકોના દિલમાં ખૂબ જ મહત્વની જગ્યા બનાવી હતી. આ કલાકારોમાં ગૂફી પેન્ટલનું નામ પણ સામેલ છે. આ સિરિયલમાં ગૂફી પેન્ટલે શકુની મામાનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. આજે પણ જ્યારે પણ શકુની મામાના અભિનયની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં ગૂફી પેન્ટલનું નામ આવે છે. ગૂફી પેન્ટલની કારકિર્દી જોઇએ તો 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો ઉપરાંત કેટલીક ટીવી સિરિયલોમાં કામ કરીને શરૂ કરી હતી. એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા તેઓ એન્જિનિયર હતા.