ફિલ્મ ‘કેસરી-2’થી મોટા પરદે ફરી ચમકેલા આર. માધવને બાળકોને ભણાવાતા ઈતિહાસ સામે સવાલ ઉઠાવ્યા છે. એક મુલાકાતમાં માધવને સવાલ ઉઠાવ્યો કે પાઠયપુસ્તકો તૈયાર કોણ કરે છે? પાઠ્ય પુસ્તકોમાં મુગલ શાસક માટે 8 પ્રકરણ છે તો ચોલા સામ્રાજ્યના વારસાના નિરુપણ માટે માત્ર એક પ્રકરણ કેમ? એક ટીવી મુલાકાતમાં માધવને કહ્યું કે, ‘હું જાણું છું કે હું આ વાત કરીશ તો મારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. છતાં હું કહીશ જ. હું જ્યારે શાળામાં ઈતિહાસ ભણી રહ્યો હતો ત્યારે મુગલ શાસક માટે 8 પ્રકરણ હતા. હરપ્પા અને મોહેં જો દડો સભ્યતા પર બે પ્રકરણ, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા સંગ્રામ વિશેના નિરુપણ માટે 4 ચેપ્ટર્સ હતા અને દક્ષિણના રાજવંશો ચોલા, પાંડ્યા, પલ્લવ અને ચેરાની વાત માત્ર 1 પ્રકરણમાં જ હતી.’
માધવને કહ્યું કે, અંગ્રેજ અને મુગલે આપણા પર લગભગ 800 વર્ષ શાસન કર્યું, પરંતુ ચોલા સામ્રાજ્યનો ઈતિહાસ તો 2400 વર્ષ જેટલો પ્રાચીન છે. નૌકાદળ તાકાતને મોરચે તેઓ વિશ્વમાં સૌથી આગળ હતા. રોમ સુધી વેપાર કરતા હતા. પોતાના સમુદ્રી કાફલાની મદદથી તેમણે અંગકોરવાટ (કંબોડિયા) સુધી મંદિરો બનાવ્યા. જૈન હિંદુ અને બૌદ્ધ ધર્મને ચીન સુધી પહોંચાડ્યા હતા. કોરિયા આજે પણ તમિલ ભાષાના અનેક શબ્દોનો ઉપયોગ કરે છે. આટલા મોટા વારસાને આપણા પુસ્તકોમાં માત્ર એક ચેપ્ટર?’ પોતાની વાત પૂરી કરતાં આર. માધવને કહ્યું કે, ‘આ પાઠ્યપુસ્તકો કોણે તૈયાર કર્યા? તમિળ તે વિશ્વની સૌથી જૂની ભાષા છે. પરંતુ આપણે તે ભાષા વિશે કાંઈ જાણતા જ નથી.’